ગઈકાલે ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારની પ્રવેશ સમિતિ એસીપીસી દ્વારા ૨૬મી માર્ચથી બુકલેટ અને પિન વિતરણ શરૂ કરાશે. ઈજનેરી-ફાર્મસી બંનેમાં ૧૪મી સુધી પિન વિતરણ ચાલશે. ઈજનેરીમાં ૨૬ એપ્રિલથી અને ફાર્મસીમાં ૩૦ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. સરકારના આદેશથી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા આ વર્ષે ઈજનેરી-ફાર્મસીમાં વહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવનાર છે. જે માટે આજે વિગતવાર પ્રવેશ કાર્યક્રમ અને તમામ માહિતી સાથેની ઓનલાઈન બુકલેટ જાહેર કરી દેવામા આવ્યા છે.
ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સીસમાં ૨૬મી માર્ચથી કોટક મહિન્દ્રા બેંકના ૧૦૦થી વધુ બેંક બ્રાંચમાંથી પિન વિતરણ શરૂ કરાશે. જ્યારે ૨૩મીએ ગુજકેટ પરીક્ષા બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. જેમાં ઈજનેરીમાં ૨૬મી એપ્રિલથી અને ફાર્મસીમાં ૩૦ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રથમવાર એડમિશન કમિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા માર્ચના અંતમાં જ શરૂ કરી દેવામા આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓને વેકેશન દરમિયાન જ બુકલેટ મળી જશે અને પ્રવેશને લગતી તમામ પ્રકારની માહિતી મળી જશે. પ્રવેશ સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં ૧૧૧ હેલ્પ સેન્ટર રાખવામા આવ્યા છે જ્યાંથી વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકશે એન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશે. આ વર્ષે પ્રવેશ સમિતિ દ્વારા તૈયાર કરાયેલી બુકલેટમાં ગત વર્ષના બ્રાંચદીઠ અને કોલેજ દીઠ કટઓફથી માંડી કોલેજની બેઠકો તથા પ્રવેશના નિયમો સહિતની તમામ માહિતી આપવામા આવી છે.