અમદાવાદ : ભારતીય સંસદ અને સિવિક બોડીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અને સમાવેશ મોટા પ્રમાણમાં થાય તથા મહિલાઓનાં સશક્તિકરણને વેગ મળે તે હેતુથી અગાઉ દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં જાન્યુઆરી ૨૦૧૯માં નેશનલ વુમન્સ પાર્ટી (એનડબલ્યુપી) લોન્ચ કર્યા બાદ આજે દેશના પ્રથમ મહિલા રાજકીય પક્ષ એવા નેશનલ વુમન્સ પાર્ટીની વિધિવત્ ઘોષણા અમદાવાદ શહેરમાં પણ કરી દેવાઇ હતી. આ પ્રસંગે નેશનલ વુમન્સ પાર્ટીના ચેરપર્સન ડો.શ્વેતા શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગુજરાતની આગામી લોકસભા ચૂંટણીમાં નેશનલ વુમન્સ પાર્ટી પણ લોકસભાની કુલ ૨૬ બેઠકો પૈકી અડધોઅડધ એટલે કે, ૫૦ ટકા બેઠકો એટલે કે, ૧૩ બેઠકો પર પોતાના મહિલા ઉમેદવારોને ઉતારશે. ભારતીય સંસદ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓને ૫૦ ટકા જેટલું એકસરખું પ્રતિનિધિત્વ મળે તે આશયથી પક્ષની રચના કરવામાં આવી છે.
ભારતીય રાજનીતિમાં લિંગભેદને દૂર કરવાના ઉમદા એજન્ડા સાથે અને ભારતભરમાં વિસ્તરણ કરી મહિલાઓને તમામ સ્તરે ન્યાય અને સમાનતાનો અધિકાર પ્રાપ્ત કરાવવા આ પાર્ટીની રચના કરવામાં આવી છે. આજના પ્રસંગે નેશનલ વુમન્સ પાર્ટીના ચેરપર્સન ડો.શ્વેતા શેટ્ટીએ પક્ષના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની પણ જાહેરાત કરી હતી. જેમાં નેશનલ વુમન્સ પાર્ટીના વેસ્ટ ઝોન ઇન્ડિયાના પ્રેસિન્ડેન્ટ તરીકે નૈનાબા જાડેજા, ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે ભાવનાબા જાડેજા અને સૌરાષ્ટ્રના પ્રેસિડેન્ટ તરીકે સોનલ પટેલ વગેરેના નામની જાહેરાત કરાઇ હતી.
નેશનલ વુમન્સ પાર્ટીના ચેરપર્સન ડો. શ્વેતા શેટ્ટી(એમબીબીએસ)એ ઉમેર્યું કે, આઝાદીના ૭૦ વર્ષો બાદ પણ અનેક વર્ષોથી પૈતૃક સમાજના લીધે મહિલાઓ સિવિક બોડીમાં પ્રતિનિધિત્વ પૂરતા પ્રમાણમાં દર્શાવી શકી નથી અને તેમની પાસે મહત્વના નિર્ણયો લેવાની સત્તા હોતી નથી. એનડબલ્યુપી સાથે, અમારો હેતુ મહિલાઓની શાંત અપેક્ષાઓને અવાજ આપવાનું પ્લેટફોર્મ બનવાનો છે અને તેમને તેમના વિકાસ અને પ્રગતિની સંભાવનાઓમાં પ્રોત્સાહિત કરીને સશક્ત કરવાનો છે. અમે સંસદમાં મહિલાઓને ૫૦ ટકા અનામતની માગણી કરી રહ્યા છીએ. તેથી જ એનડબલ્યુપી આગામી લોકસભા ચૂંટણીમાં ૨૮૩ લોકસભા સીટોમાંથી અડધોઅડધ સીટો પરથી ચૂંટણી લડશે, જે માને છે કે ઈલેક્ટોરલ પાવર એવું માધ્યમ છે કે જેના દ્વારા મહિલાઓની સમસ્યાઓને અસરકારક રીતે ઉકેલી શકાય તેમજ તેમને રાજ્ય અને રાષ્ટ્રીય રાજનીતિમાં કેન્દ્ર બનાવી શકાય છે. ડો. શેટ્ટીએ ધ્યાન દોર્યું કે, જા ડિસેમ્બર ૨૦૧૭માં યોજાયેલ ગુજરાતનજ વિધાનસભા ચૂંટણીનો ડેટા જોઈએ તો એ સ્પષ્ટ છે કે ચૂંટાયેલી મહિલાઓની ટકાવારી સૌથી ઓછી છે.
ગુજરાત ભારતીય રાજનીતિમાં રહેલા લિંગભેદને દર્શાવે છે. અમારો હેતુ આ સ્થિતિ પર કામ કરવાનો છે અને એ સુનિશ્ચિત કરવા માટેનો છે કે સિવિક બોડીમાં, વિધાનસભાઓ અને સંસદમાં મહિલાઓની સંખ્યા વધે. મહિલાઓના તમામ પ્રશ્નોના સમાધાન માટે દેશમાં એકમાત્ર અમારી પાર્ટી એક ઉત્કૃષ્ટ માધ્યમ બનીને નીખરશે.