સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરતી અમેરિકન કંપની માઈક્રોને ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જો માઈક્રોનના ભારતમાં રોકાણ કરવાથી હજારો લોકોને નોકરી મળશે. માઈક્રોન ગુજરાતમાં તેનો પ્લાન્ટ સ્થાપશે. તમને જણાવી દઈએ કે, માઈક્રોન સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવતી મોટી કંપનીઓમાંથી એક છે. કંપની ગુજરાતના સાણંદ ખાતે રૂ. ૨૨,૫૧૬ કરોડનો પ્લાન્ટ સ્થાપશે.
સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગ- ATMP દ્વારા દેશમાં ૨૦ હજાર લોકો માટે રોજગારની તકો પણ ઊભી થશે.માઈક્રોન સિવાય વેદાંત અને ફોક્સકોન પણ દેશમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવશે. જેના માટે કંપનીઓએ ફરીથી તેમની રિન્યૂવલ પ્લાન સરકારને મોકલ્યો છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ગુજરાત સરકાર અને માઈક્રોન વચ્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેના પર ગુજરાત સરકારના આઈટી સેક્રેટરી વિજય નેહરા અને માઈક્રોનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગુરશરણ સિંહે હસ્તાક્ષર કર્યા હતા. કંપની ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા અને અહીં ચિપ મેન્યુફેક્ચરિંગ કરવા માંગે છે. ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં આર્ત્મનિભર બનાવવા માટે સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામમાં આ એક મોટું પગલું છે.ભારતમાં માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ૫,૦૦૦ પ્રત્યક્ષ અને ૧૫,૦૦૦ પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. સાણંદમાં અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવેલી સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ સમગ્ર ભારતમાં થશે અને વૈશ્વિક સ્તરે તેની નિકાસ પણ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ આગામી વર્ષ સુધીમાં દેશને માઈક્રોનની પ્રથમ ચિપ મળી શકે છે. કંપની ૧૮ મહિનામાં દેશની પહેલી ચિપ લોન્ચ કરી શકે છે.માઇક્રોન દ્વારા સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટે ગુજરાતને પસંદ કરવા પાછળ એક મોટું કારણ છે. ગુજરાતમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-વ્યવસાય માટે યોગ્ય વાતાવરણ અને રાજ્ય સરકારના સહકાર અને ટેલેન્ટ પૂલને કારણે અમેરિકન કંપનીએ અહીં પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કર્યું છે. રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર સેક્ટરમાં બિઝનેસને ગુજરાતમાં આકર્ષવા માટે એક સમર્પિત સંસ્થા ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનની રચના કરી છે.