કોલેજ માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ઇલેકશનનો માહોલ બારોબાર જામ્યો હતો. વિદેશમાં રહેતા પુત્રએ ભારતમાં રહેતા પોતાના પિતાને આ વર્ષે ઇલેકશનમાં પોતાનું નામ નોમિનેટ થયું છે એ બાબત જણાવતો પત્ર લખ્યો. પિતાને થયું કે પુત્રને વળતાં જવાબમાં એક યોગ્ય નેતા માટેના સૂચનો શિખામણ સ્વરૂપે અપાય તો કદાચ તેને ઇલેકશન પછી પણ નેતા તરીકેની જવાબદારી સંભાળતા કામ લાગે. એ હેતુ પિતાએ પુત્ર ને વળતાં જવાબમાં એક સફળ નેતા કોણ હોય શકે અને તેની યોગ્યતા કેવી હોવી જોઈએ એ બાબત જણાવતો પત્ર અહીં રજૂ કર્યો છે.
પ્રિય પુત્ર…
આવનાર ઇલેકશનમાં તું વિજયી બને અને નેતાગીરીનું પદ સંભાળે તેવી આશા સાથે જણાવવાનું કે નેતાગીરી એ લોકોના વિશ્વાસને સાર્થક કરવાની જવાબદારી છે, તેમાંથી કેવી રીતે પાર ઊતરવું તે બાબતે અહીં કેટલાક સૂચન કરું છુ, શક્ય હોય તો તેને અનુસરજે ..
નેતાગીરી કોઈપણ સ્વરૂપે હોય શકે, કોલેજ ,સમાજ કે દેશ માટે નેતા નો નેતૃત્વ નો ગુણ એક આગવી ઓળખ છે. અંગ્રેજીમાં કહેવત છે કે કેટલીક વ્યક્તિઓ મહાન જન્મે છે, કેટલીક વ્યક્તિઓ મહાનતા મેળવે છે. અને કેટલીક વ્યક્તિઓ પર મહાનતા ઠોકી બેસાડવામાં આવે છે. નેતૃત્વનું પણ કઇંક આવું જ છે. કેટલીક વ્યક્તિઓમાં નેતૃત્વના ગુણો જન્મજાત હોય છે જ્યારે કેટલીક વ્યક્તિઓએ ગુણો ને વિકસાવી નેતૃત્વ મેળવે છે તો કેટલીક વ્યક્તિઓ પર નેતૃત્વ ઠોકી બેસાડવામાં આવે છે.
નેતૃત્વ પ્રાપ્ત કરવું અને નેતૃત્વને દીપાવવું તે બંને બાબતોમાં ફરક છે. નેતૃત્વ પ્રાપ્ત કરવું જેટલું સન્માનનીય છે તેથી અનેક ઘણું મહાત્વનું છે કે નેતૃત્વને દીપાવવું. નેતૃત્વની પ્રાપ્તિ એ સફળતાની શરૂઆત છે. જ્યારે નેતૃત્વ ને દીપાવવું તે સફળતા છે. પરંતુ આ કોઈ ચોક્ક્સ નિયમ નથી. આખરે તો “Nothing succeeds like success” પણ આ દિશામાં કરાતો અભ્યાસ તને જરૂર મદદરૂપ નીવડી શકશે.
કહેવાય છે કે ભેગા થવુ એ શરૂઆત છે. ભેગા રહેવુ એ પ્રગતિ છે, અને ભેગા રહીને કામ કરવું એ સફળતા છે. સફળ નેતા એ છે એ જે બધા ને સાથે રાખી શકે છે. એ પોતાના ઉપરી અધીકારીઓની અવગણના કરતો નથી, એમની સલાહ લેતા શરમાતો નથી, તેવી જ રીતે એ પોતાના સહ કાર્યકરો ને પણ એટલો જ આદર આપે છે અને મદદ કરવા હમેશા તૈયાર રહે છે. સફળ નેતાને પોતાના અધિકારો અને જ્વાબદારીઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં આવડવું જોઈએ. નેતા નમ્ર હોવાઓ જોઈએ પણ નમાયેલો કે નબળો હોવો જોઈએ નહીં. સફળ નેતામાં પોતાની ભૂલ સ્વીકારવાની નિખાલસતા હોવી જોઈએ. વિચારોના મતભેદ મનભેદ સુધી ના પહોંચે તેની તેણે કાળજી રાખવી પડે છે.
સામાન્ય રીતે લોકો દોષ નો ટોપલો બીજાની ઉપર ઢોળે છે અને યશ પોતે ખાટવાની વૃત્તિ ધરાવતા હોય છે, પરંતુ સફળ નેતા એ છે કે જે યશ વહેંચી જાણે છે, અને તેનાથી તે વધુ યશ પ્રાપ્ત કરે છે તથા પોતાના સહ-કાર્યકરોમાં એક નવું જોમ ભરી શકે છે.
નેતૃત્વની સફળતામાં વાણી પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. વાણીની મીઠાશ સફળતા નું વાતાવરણ પ્રથમથી જ તૈયાર કરી દે છે. કડવું ન બોલવું, અને વિનાકારણ વધુ ન બોલવું. શક્ય હોય તો ધીમા સવારે અને મુદ્દાસરનું બોલવામાં આવે તો કર્મચારીઓનો વિશ્વાસ જીતી શકાય છે. જેમ વાણીનું મહત્વ છે તેવું જ પોતાનામાં રહેલ આત્મવિશ્વાસનું મહત્વ છે, પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ જોખમી પણ નીવડી શકે છે. નેતાએ યોગ્ય ચીવટ અને પૂર્ણતા માટે નો આગ્રહ રાખવો જોઈએ. આ પરિસ્થતી સમગ્ર સમાજ ને સફળતા તરફ દોરી જાય છે. સફળતા એ હમેશા શક્ય નથી અને તેવા પ્રસંગે હતાશાના શિકાર બનવું પણ એક નેતાને પરવડે તેમ નથી. દરેક પ્રસંગ પછી ભલે તે સફળતાનો હોય કે નિષ્ફળતાનો એ એક બોધપાઠ બની ભવિષ્ય માટે માર્ગદર્શક બનાવો જોઈએ. સફળ નેતા પોતાના સભ્યોમાં ઉત્સાહનો ધોધ વહાવી શકે તેવો સક્ષમ હોવો જોઈએ. તેનો હકારાત્મક અભિગમ અને ઉત્સાહ કાર્યને ગતિ પૂરી પાડે છે. પણ દિશા વગર ની ગતિ ને પ્રગતિ ના જ કહી શકાય, જેથી દિશાની સૂઝ મેળવવી તે અત્યંત જરૂરી છે. યોગ્ય દિશા માટે યોગ્ય રણનીતિ તૈયાર કરવી પડે છે જેને આધારે સફળતાપૂર્વક લક્ષ્ય ને આંબી શકાય છે.
નેતૃત્વ સમજણ નો વિષય છે. કોઈ પણ દેશ, સમાજ કે સંસ્થાની નેતાગીરી સંભાળતા પહેલા એની જવાબદારી પ્રથમ સમજી લેવી અત્યંત આવશ્યક છે અને એ કાર્યને ન્યાય આપવાનું પોતાને માટે શક્ય છે કે કેમ તે વિચારી લેવું પણ અત્યંત જરૂરી છે. સમય ની માંગ ને સમજીને તેને અનુરૂપ સેવા પધ્ધતિનો અભ્યાસ કરી તેને અપનાવી, જે દ્વારા કાર્યના પડકારને પહોંચી વળવા સજ્જ થવું તે સફળ નેતૃત્વ માટેનું અતિ આવશ્યક લક્ષણ છે. કાર્યની સમજ, પોતાની મર્યાદા અને શક્તિનો સ્પષ્ટ અંદાજ એ સફળ નેતૃત્વ માટે મહત્વ ની જરૂરિયાત છે. નહિતર ખોટી માન્યતા અને મહત્વકાંક્ષા રાખનાર કેટલાય નેતાઓ નિષ્ફળ નીવડ્યા હોવાના ઉદાહરણ છે.
સફળ નેતા સાધનોના ઉપયોગ અને સહકાર્યકરોની પસંદગીમાં પોતાની નિપુણતાનો અનુભવ કરાવે છે. નેતા પોતાની ફરજ પ્રત્યે સતત જાગૃત હોય તે જરૂરી છે. સાચેજ, નેતૃત્વ એવી શક્તિ છે જેનાથી બીજાઓનો વધુ માં વધુ સાથ સહકાર મેળવી જુથ આખાનું સંચાલન કરી શકાય છે..
ઍક અંગત મિત્ર પાસેથી બહું જ સરસ ઍક વાત જાણવા મળી જે અહીં ટાંક્વાં ઈચ્છું છું.
છ મહત્વના શબ્દો:
“મારી ભૂલ હું કબુલ કરું છુ.”
પાંચ મહત્વના શબ્દો:
“તમે સારું કાર્ય કર્યું છે.”
ચાર મહત્વના શબ્દો:
“તમે તમારો અભિપ્રાય જણાવો”
ત્રણ મહત્વના શબ્દો:
“તમને ગમે તો”
બે મહત્વના શબ્દો:
“તમારો આભાર”
એક મહત્વનો શબ્દ:
“આપણે”
સૌથી ઓછો મહત્વનો શબ્દ:
“હું”
BOSS SAYS “GO” and LEADER SAYS” LET’S GO”
- નીરવ શાહ