અમદાવાદ : સમાજના વંચિત વર્ગના યુવાન અને યુવતીઓને કૌશલ્ય વિકાસની તાલીમ આપીને રોજગાર પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનવા તથા વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે અચિવિયા ઇન્ટરનેશનલ દ્વારા એજ્યુકેશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટનો જુહાપુરા વિસ્તારમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
અચિવિયા ઇન્ટરનેશનલ રિક્રુટર્સ પ્રાઇવેટ લિમિટેડ અને શારદા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શરૂ કરાયેલી આ એજ્યુકેશન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટનું ઉદ્ઘાટન આજે શહેરના મેયર શ્રીમતી બિજલ પટેલે કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભુતપૂર્વ પ્રધાન શ્રી અરવિંદભાઇ પટેલ, અતિથિ વિશેષ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અન્ડર સેક્રેટરી શ્રી નિકુંજ જાની, ક્રિકેટર યુસુફ પઠાણ, રાજ્યસભાના પૂર્વ સદસ્ય શ્રી રાજૂ ભાઇ પરમાર તેમજ નિવૃત્ત એડિશનલ ડીજીપી, આઇપીએસ, શ્રી એ.આઇ. સૈયદ, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના સેક્રેટરી મુરતઝા ખાન પઠાણ અને કોર્પોરેટર ઇકબાલ ભાઇ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે અચિવિયા ઇન્ટરનેશનલના અમૃતા કુશવાહાએ જણાવ્યું હતું કે, “વિશેષ કરીને મહિલાઓ અને બેરોજગાર યુવાનોને કમ્યુટર, સેલ્સમેનશીપ, ડિસ્ટ્રિબ્યુટરશીપ, બિઝનેસ કમ્યુનિકેશન, ન‹સગ, બ્યુટી પાર્લર, સીવણકામ સહિતના ક્ષેત્રોમાં રોજગારી મેળવવામાં મદદરૂપ બનવા આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટની શરૂઆત કરવામાં આવી છે. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખાતે બેથી ત્રણ મહિનાની મુદ્દતના વિવિધ કોર્સિસ ચલાવવામાં આવશે અને કોર્સ પૂર્ણ થયાં બાદ વિવિધ કંપનીઓની જરૂરિયાત પ્રમાણે યુવાનોને નોકરી મળી રહે તેવો પણ પ્રયાસ કરાશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “આ ઇન્સ્ટિટ્યુટ ખાતે ૧૨ સાયન્સ પછી એમબીબીએસ, નર્સિગ, બીડીએસ, બીએચએમએસ વગેરે જેવા કોર્સમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોને માર્ગદર્શન પણ પૂરું પાડશે, જેથી તેઓ ભારત અને વિદેશોની સારી કોલેજમાં જઇને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે. મેડિકલ ઉપરાંત એન્જિનિયરિંગ અને અન્ય ક્ષેત્રોમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને સ્કોલર્શિપ સંબંધિત માહિતી પણ પ્રદાન કરાશે.”
ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટિટ્યુટ ખાતેના ૮૦ ટકા કોર્સિસ વિનામૂલ્યે ચલાવવામાં આવશે અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મૂજબના કૌશલ્ય વિકાસની તાલીમ અપાશે, જેથી તેઓ કોર્સ પૂર્ણ કરતાની સાથે વહેલી તકે નોકરી મેળવી શકે. સંસ્થાએ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે જાડાણ પણ કર્યું છે, જેના પગલે નોકરી મેળવવામાં સરળતા મળી રહેશે.
ઇન્સ્ટિટ્યુટ ખાતે એક બેચમાં લગભગ ૫૦ વિદ્યાર્થીઓને સામેલ કરાશે અને મુખ્યત્વે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય વિકાસની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં અચિવિયા ઇન્ટરનેશનલ રિક્રુટર્સ પ્રાઇવેટ લિમિટેડના ડો. સતિષ યાદવ, મહેબુબખાન પઠાણ, અબ્દુલરહેમાન ખાન, ફિરોઝ ખાન પઠાણ અને કૌશલ મારકના પણ ઉપસ્થિત રહ્યાં હતાં.