અત્યાર સુધી….
નૂર અને અંજામની વાતો અને મુલાકાતો વધતી જતી હતી પરંતુ હજી પણ અંજામને ખબર ન હતી કે તેને કેફેમાં મળવા આવતી વ્યક્તિ હતી. વાદ, વિવાદ અને સંવાદમાંથી શરૂ થયેલી એક યાત્રા હવે યાદ તરફ પ્રયાણ કરી રહી હતી. ફરી એક વાર એ છોકરી અંજામને મળવા કેફેમાં આવે છે અને આ વખતે તેમની વચ્ચે ગહન અને અર્થપૂર્ણ સંવાદ રચાય છે. હવે આગળ…..
પ્રકરણ 7
(છ મહિના પછી)
ફરી એક રાતની શરૂઆત થઈ હતી પણ આ રાતની વાત અલગ હતી. જેમ જેમ કેફેવાળી છોકરી સાથે મુલાકાત વધતી જતી તેમ તેમ નૂર સાથેનું જોડાણ એટલું જ ગાઢ થતું જતું હતું. હવે અંજામની દુનિયામાં ઘણા બધા ફેરફારો આવી ચૂક્યા હતા. અંધારાની દુનિયામાં રહેવાનું પસંદ કરતો એ રાઈટર હવે અજવાળા તરફ જઈ રહ્યો હતો. પ્રોફેશનલ લાઈફમાં પણ તેણે એક નવું સાહસ શરૂ કર્યું હતું. તથાગત પબ્લિશર્સનો હવે તે ફાઉન્ડર હતો. તેણે અને તેના મિત્રોએ ભેગા મળીને આ કંપની શરૂ કરી હતી, જે તેના જેવા યુવા લેખકો અને કવિઓને પ્લેટફોર્મ આપી રહ્યા હતા. બીજી તરફ સ્વીકૃતિ પણ પોતાની કારકિર્દીમાં આગળ વધી રહી હતી. આમ તો અંજામ અને તે રોજ રાતે કલાકો વાત કરતા હતા પણ તેમની વચ્ચે ક્યારેય કોઈ પ્રોફેશનલ વાતચીત ન થતી કારણ કે સ્વીકૃતિને ફક્ત અંજામને વાંચવામાં રસ હતો. તેણે ક્યારેય અંજામને તેના કેરિયર કે પ્રોફેશનલ લાઈફ કે ઈન્કમ વિશે પ્રશ્ન કર્યો ન હતો.
અંજામ પણ ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. ક્યારેક ક્યારેક તેને પણ લાગતું કે તે નૂરની નજીક જઈ રહ્યો છે પણ બીજી બાજુ કોઈ જૂની યાદ તાજી થતા તે પોતાના વિચારને માંડી વાળતો પણ તેને એ નહોતી ખબર કે એ તૂટેલા દિલના ટુકડાને એક તૂટેલા દિલનો ટુકડો જ સાંધી શકે છે. નૂર પણ પરોક્ષ રીતે આવા જ એક ટુકડા તરીકે તેના જીવનમાં આવી હતી. ધીમે ધીમે બંનેએ પોતપોતાના ભૂતકાળની વાતો એકબીજા સામે રજૂ કરી દીધી હતી પણ એક નવી શરૂઆત માટે એકબીજાને તક આપી ન હતી. નૂરને ક્યારેક લાગતુ હતું કે અંજામ તેને સમજી શકે તેવી વ્યક્તિ છે પરંતુ અંજામે કહેલી વાત “મારી ટેવ ના પાડીશ, હું નશાથી પણ ખરાબ છું” વારંવાર તેના મગજમાં ઝબકારા મારતી. નૂર પણ હવે ખુશ રહેતા શીખી રહી હતી, નવી જિંદગી જીવી રહી હતી, એક નવા સ્વરૂપમાં આવી રહી હતી પણ અંજામ માટે તે જોવું કે અનુભવવું સરળ ન હતું. કોઈ વ્યક્તિ સાથે ફક્ત એક સામાન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર થયેલી વાતના આધારે તેને અંદર સુધી સમજવું અને પોતાનામાં ઉતારવું એ કઈં રમત વાત નથી હોતી.
નૂર ક્યારેક ક્યારેક પોતાની લખેલી કવિતાઓ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી, જેને અંજામ ધ્યાનથી વાંચતો અને હવે તો લગભગ શેર પણ કરતો. એમ પણ તથાગત પબ્લિશર્સનું કામ નવી પ્રતિભાઓને પ્લેટફોર્મ આપવાનું હતું અને કદાચ અહી પણ તે એ જ કામ કરી રહ્યો હતો. ધીમે ધીમે તે અને તેનું ગ્રુપ પોતાનો સ્ટાફ તૈયાર કરી રહ્યા હતા અને તેને એક પ્રૂફ રીડરની અને મીડિયા એડિટરની જરૂર હતી. રાતના 11 થયા હતા અને અંજામે પોતાના ઈન્સ્ટા પેજ પર એ જોબને લગતી પોસ્ટ અપડેટ કરી.
“અરે વાહ, તમારે પણ એડિટરની જરૂર છે ??”, નૂરે મેસેજ કર્યો.
“તમારે પણ મતલબ ???”, અંજામે જવાબ આપતા પહેલા સામો પ્રશ્ન કર્યો.
“મુદ્દાની વાત કરતા પણ તર્કની વાત તમે જલદી પકડો છો.”
“વાત શુ છે એ કહીશ ???” અંજામ થોડો ચિડાયો.
“હા, પણ એમાં ચિડાવો છો કેમ આટલું… એકચ્યુલી મારે પણ કાલે એક જગ્યાએ ઈન્ટરવ્યૂ આપવા જવાનું છે. મારી એક ફ્રેન્ડના રેફરન્સથી જાઉ છું. તે કહેતી હતી કે તેનો બોસ બહુ ખડ્ડૂસ છે પણ કામ તો કરવું પડશે ને ખર્ચો કાઢવા.”
“પ્રાર્થના કરજે ભગવાનને કે મારા જેટલો ન હોય.”
“બહુ સારું. ચાલો ગુડ નાઈટ. કાલે સવારે મારે જવાનું છે.”
“બાય. ટેક કેર”, અંજામે એક અણગમા સાથે સંવાદ પૂરો કર્યો અને તરત જ તેના વોટ્સએપ પર એક નોટિફિકેશન ટપકી પડ્યું.
એ મેસેજ અંજામની ખાસ દોસ્ત રાજશ્રીનો હતો.
“હાય…”
“બોલો મેડમ”
“પહેલા તો કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર યોર ન્યૂ વેન્ચર. બહુ બધી પાર્ટી બાકી છે તારી જોડેથી”
“થેક્યૂ”
“એ બધુ છોડ. એય નમૂના સાંભળ. કાલે મારી એક ફ્રેન્ડ તારી ઓફિસે આવશે તારા ત્યા ઈન્ટરવ્યૂ આપવા. તારી ગરમી અને ખડ્ડૂસીને દબાવીને રાખજે. એને નોકરીની જરૂર છે અને હા, એ તારી પાગલ ફેન પણ છે તો બિચારી છોકરી ડાહી છે તો કામ કરવાની એક તક આપ એને. અને હા પછી મળું છું તને શાંતિથી.. બાય…” ખાલી રાજશ્રી જ એક એવી વ્યક્તિ હતી જેને અંજામને કઈં પણ બોલવાની છૂટ હતી કારણ કે તે જ એક એવી વ્યક્તિ હતી જે તેના ખરાબ સમયથી લઈને સારા સમયમાં તેની સાથે હતી. અંજામને માટીમાંથી મકાન બનાવતા તેણે ખૂબ નજીકથી જોયો હતો અને એ એક જ એવી વ્યક્તિ હતી જે કોઈ પણ અપેક્ષા વગર તેની સાથે જોડાઈ હતી. તેણે અંજામની ખુશી, નારાજગી, ગુસ્સો, રોષ, આવેશ, ખુન્નસ બધું જ જોયેલુ અને સહન કરેલુ હતુ અને કદાચ એટલે જ અંજામ ક્યાંક ને ક્યાંક પોતે આજે જે સ્થાન પર છે, ત્યાં હોવા બદલ તેને મૂળભૂત પરિબળ તરીકે ગણતો.
“યાર ત્રાસ છે હો તારો. એક તો માંડ અઠવાડિયે એકાદ વાર વાત કરે અને એમાં પણ ઉતાવળ. એમ લાગે કે બસ હાય અને કોન્ગ્રેચ્યુલેશન્સ કહેવા જ આવે છે મને.”, અંજામે પોતાનો રહ્યો સહ્યો બળાપો કાઢ્યો.
“હા, મારા પપ્પા બોલાવે છે. સૂવાનો ટાઈમ થયો એટલે બૂમો પાડે છે”
“ઘણી વાર મન થાય કે તારા બાપાને સાયલેન્ટ મોડ પર એક્ટિવ કરી દઉં પણ આ તો તારી શરમ નડે એટલે જવા દઉં”
“હા, બસ હવે હો…બહુ ડાહ્યો હો…ચાલ ગુડ નાઈટ.”
*******
તથાગત પબ્લિશર્સ,
સવારના 11.00
“હાય, હેલી, કાલે રાજશ્રીનો મેસેજ હતો કે એની કોઈ ફ્રેન્ડ આવવાની હતી એડિટરના ઈન્ટરવ્યૂ માટે.. શુ થયુ એ આવી કે નહિ”
“શાંત ભાઈ શાંત.. પહેલા આવ, બેસ શાંતિથી, પાણી પી, પછી વાત કર.”, હેલીએ જવાબ આપવા કરતા સલાહને પ્રાધાન્ય આપ્યું.
“લાવ, ચાલ પીવડાવી દે હવે તારા હાથે”, અંજામે હસતા હસતા જવાબ આપ્યો.
હેલી અને અંજામ એક જ સ્કૂલમાં સાથે ભણેલા, બંને વચ્ચે ઉંમરમાં બે-ત્રણ વરસનો ફેર પણ નાનપણથી સાથે જ રમીને મોટા થયેલા. એસ.એસ.સી પછી ફંટાઈ ગયેલા અને કોર્પોરેટ ફિલ્ડમાં પાછા ભેગા થયેલા. હેલીએ એલ.એલ.બી કરેલું જેથી અંજામની કંપનીમાં તે લિગલ એડવાઈઝર તરીકે કામ કરતી હતી અને નાનપણથી જ અંજામને ભાઈ કહેતી. એ સિવાય અંજામની ટીમમાં નૈનેષ, નેહા, ચિરાગ, જાનવી, ખાન અને શુભમ સપોર્ટર અને વેબ ડેવલપર તરીકેની અલગ અલગ પોસ્ટ પર કામ કરતા હતા.
અંજામ પોતાની કેબિનમાં રિવોલ્વિંગ ચેર પર બેઠો હતો. તેને હંમેશા દિવાલ તરફ મોં રાખીને બેસવાની ટેવ હતી. જાનવી તેને હંમેશા પૂછતી કે “ભાઈ, આવી કેવી ટેવ છે ઉંધા ફરીને બેસવાની ???” અને અંજામ તેને જવાબ આપતો, ”બેટા, દુનિયામા તમામ સીધા કામ ઊંધા બેસીને જ થાય છે. જો કોઈ સારું કામ સફળતાપૂર્વક પાર પાડવું હોય અને એની યશોગાથા આજીવન જીવંત રાખવી હોય તો હંમેશા પડદા પાછળથી જ કામ કરવું જોઈએ. આપણે આજ સુધી ઈતિહાસના કોઈ પણ પાત્રની બીજી બાજુ નથી જોઈ શક્યા અને એ જ કારણોસર એ પાત્રો ઈતિહાસમાં અમર રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એક વાર બાહ્ય અને પ્રત્યક્ષ સ્વરૂપે દુનિયાની સામે આવી જાય એ પછી એની એટલી મહત્તા નથી રહેતી જેટલી તેના પ્રાગટ્ય પહેલા હોય છે.” જાનવી તેને ભાઈ માનતી અને અંજામ જાનવીને હંમેશા બેટા કહીને સંબોધિત કરતો. જાનવી, નૈનેષ અને અંજામ એ ત્રણેય એક કંપનીમાં પહેલા સાથે નોકરી કરતા હતા. પોતાના સ્વભાવ મુજબ અંજામને પોતાનો જન્મદિન ઊજવવો ગમતો ન હતો અને તે દિવસે જાનવી અને નૈનૈષે અંજામનો જન્મદિવસ મનાવવા 10 જ મિનિટમાં આખું માર્કેટ ભેગુ કરી દીધું હતું. તે દિવસથી આ ત્રણેનું જોડાણ હંમેશ માટે ગાઢ બની ગયું હતું.
સાડા અગિયાર થવા આવ્યા હતા અને જોબ સીકર ગર્લના કોઈ એંધાણા ન હતા. કંટાળીને અંજામે પોતાના લેપટોપમાં ધીમા અવાજે ગીતો ચાલુ કર્યા. જ્યારે મૂડ ખરાબ હોય, આર્ટિકલ કે કોલમ માટે કોઈ કન્સેપ્ટ ના મળતો હોય કે કંટાળો આવતો હોય ત્યારે અંજામ ગીતો સાંભળવું અને ક્યારેક ગાવું પણ પસંદ કરતો. એનો અવાજ એટલો ખાસ ન હતો પણ તેના કલિગ્સ તેના અવાજની પ્રશંસા કરતા. અંજામ જાણતો હતો કે તેઓ ખોટી પ્રશંસા કરતા હોય છે તેમ છતાં તે કઈં કહેતો નહિ કારણ કે આ એક જ એવી બાબત હતી જેમાં પોતાના અપૂર્ણ હોવા છતા તેને ગર્વ મહેસૂસ થતો. અમુક વર્ષો પહેલા તેણે એક રેડિયો સ્ટેશન પર આર.જે માટે ઓડિશન આપેલું અને રાતના 11 થી 1 ના સ્લોટમાં તે જૂના ગીતોના એક કાર્યક્રમ માટે આર.જે તરીકે કામ કરતો. હા, એમ કહેવું જરા પણ ખોટું નહિ હોય કે તેના અવાજમાં એક કર્કશ માદકતા હતી. પ્લે લિસ્ટમાં અરમાન મલિકનું –ઘર સે નિકલતો હી કુછ દૂર ચલતે હી” ગીત શરૂ થયું. હજી ગીતની માંડ એકાદ બે કડી વાગી હશે અને રિસેપ્શન પરથી નેહાનો તેના ઈન્ટરકોમ પર કોલ આવ્યો,
“સર, એક મેડમ આવ્યા છે કોઈ રાજશ્રી મેડમના રેફરન્સથી”
“ઓકે, પાંચ મિનિટમાં તારિકા આવે એટલે એને અંદર મોકલ. ત્યાં સુધી ખાન જોડે એનો રિઝ્યૂમ મોકલાવ”
ખાન રિઝ્યૂમ આપી ગયો એટલે ટેવ પ્રમાણે તેણે તરત પાછી પોતાની ચેર દિવાલ તરફ કરી અને રિઝ્યૂમ વાંચ્યો. નામ વાંચતાની સાથે જ તેની આંખો પહોળી થઈ ગઈ.
“સ્વીકૃતિ પટેલ”, આ નામ વાંચતા જ અંજામ ચોંક્યો. આ નામ તેને ક્યાંક સાંભળેલું લાગ્યુ અને કન્ફર્મ કરવા તેણે જેવું ઈન્સ્ટાગ્રામ ખોલ્યું કે તેને યાદ આવ્યું કે નૂર પણ ઈન્ટરવ્યૂ આપવા જવાની વાત કરતી હતી. હવે તેને ફક્ત એ જ કન્ફ્યૂશન હતું કે આ એ જ સ્વીકૃતિ છે જેની સાથે તે રોજ રાત્રે મિસ સ્વીકૃતિ “નૂર” નામની આઈ.ડી પર વાત કરે છે કે બીજું કોઈ. ઉત્સુકતાની સાથે સાથે તેના ધબકારા પણ વધી રહ્યા હતા. તેની આખી કેબિન કોઈ ટ્વિસ્ટનો પટારો હોય તેમ જણાઈ રહી હતી પરંતુ અંજામ અને સ્વીકૃતિ બંને માટે જિંદગી એ તેમની ધારણા કરતા પણ મોટું ટ્વિસ્ટ તૈયાર કરી રાખ્યું હતું એની તેમને ક્યાં ખબર જ હતી.
(ક્રમશ:)