અત્યાર સુધી….
નૂર અંજામને મળવા બીજા રસ્તા શોધે છે જેમાં તે સફળ થાય છે અને શોધખોળ કરીને તે અંજામને મળવા ગોલ્ડન કેફે પહોંચે છે, જ્યાં પહેલી વાર તે અંજામને મળે તો છે પણ તેને ત્યાં અંજામના લખાણમાં અનુભવાયેલી કડવાશ રૂબરૂ જોવા મળે છે. કેફેથી નીકળીને અંજામ ઘરે આવીને પોતાના કામે વળગે છે પરંતુ તેનું મન લાગતું નથી અને આથી ચિડાયેલો હોવા છતાં તે નૂર સાથે વાત કરવા ખેંચાઈ જાય છે. હવે આગળ…..
પ્રકરણ 6
“આઉચ….રહી રહીને દુખે છે હવે”, નૂરે અચાનક બે દિવસ પછી સવાર સવારમાં મેસેજ કર્યો હતો.
“શુ થયુ ?” અંજામે એના સ્વભાવ પ્રમાણે સાવ ઠંડો પ્રતિસાદ આપ્યો.
“આ બે ત્રણ દિવસ પહેલા બહાર ગઈ હતી નવા સેન્ડલ પહેરીને તો પગમાં ડંખ લાગ્યા છે ને હવે દુખી રહ્યું છે”
“દર્દ મટવાની કગાર પર હોય ને ત્યારે જ પીડા એની ચરમસીમાએ પહોંચે છે. જિંદગીનું પણ કઈંક આવું જ છે.” અંજામે જાણે સિક્સર મારી હતી.
“ઓ મિસ્ટર ફિલોસોફર, આ બધુ છોડ અને મને એમ કહે કે તને મારી યાદ ના આવી ? બે દિવસમાં એક પણ મેસેજ નહીં કર્યો”, હવે અંજામમ અને નૂરની વાતોમાં તુ-તારીનું વેલકમ થઈ ચૂક્યું હતું.
“કેમ તુ મારી શુ થાય છે તો મને તારી યાદ આવે ???” અંજામના સણસણતા જવાબે બીજી તરફ નૂરને એક મિનિટ માટે તો ઓફલાઈન થઈ જવા જેટલી ખીજ ચઢાવી દીધી પણ જાણે કોઈક બંધન હતું, જે તેને અંજામ સાથે બાંધી રાખતું હતું.
“શુ તકલીફ છે ???”, નૂરે પ્રશ્ન કર્યો.
“મતલબ ???”
“મતલબ એ જ અંજામ કે જે તમે સમજી રહ્યા છો. કેમ આવો સ્વભાવ ??? શુ કારણ છે ??? કેમ આટલી બધી સજા ??? અને એ પણ પોતાને જ….”
“નહિ સમજાય તને નૂર… કોઈ નથી સમજ્યું અને કદાચ સમજવા પણ નથી માંગતું કારણ કે દુનિયાને મેન્ટાલિટી કરતા પર્સનાલિટીમાં વધારે રસ છે. તુ ધ્યાન રાખ તારા પગના ઘાવનું, મને તો આદત છે પડેલા જખમોને પનાહ આપવાની, એ પણ બિચારા ક્યાં જાય. લોકો એ ઘાવને પણ બસ એક જરૂરિયાતની જેમ પૂરા થાય એટલે તરછોડી દે છે.”, અંજામે કદાચ પહેલી વાર ખુલાસીને કોઈ વાચક સાથે આ રીતે વાત કરી હશે.
“અંજામ, મને એવું કેમ લાગે છે કે મને તારી આદત પડી રહી છે.”, નૂરે કચવાતા મને પ્રશ્ન કર્યો.
“ના પાડીશ આદત. હું નશા કરતા પણ ખરાબ છું. જો મારી બીજી બાજુ જાણી લઈશ તો આપણી પાસે વાત કરવા માટે કદાચ કઈં નહિ રહે.”
“પણ કેમ આવું, અંજામ”
“કહ્યું ને નૂર.. દુનિયાને મેન્ટાલિટીથી નહિ, પર્સનાલિટીથી પ્રેમ છે. અંજામ સાથેનું જોડાણ ફક્ત વાતો અને લખાણ સુધી જ સીમિત રહે તો વધુ સારું. હું એક સારી દોસ્તને કદી ખોવા નહિ માંગું.”
“થેન્ક યુ. ચાલો તમે એ તો સ્વીકાર્યુ કે હું હવે ફક્ત એક વાચક નહિ, દોસ્ત પણ છું.”
“ઓકે બાય. ટેક કેર.”
સંવાદ પૂરો થયા પછી અંજામે પોતાનું લેપટોપ ચાલુ કર્યુ અને વેલેન્ટાઈન ડે માટેનો આર્ટિકલ લખવાનું શરૂ કરી દીધું. બીજી તરફ સ્વીકૃતિએ સાંજે ગોલ્ડન ટ્રાયેંગલ કાફે જવાની તૈયારી કરી દીધી હતી. આમ તો આજે સોમવાર હતો. અંજામનો ત્યાં જવાનો કે તેને મળવાનો કોઈ સવાલ જ ન હતો પણ સ્વીકૃતિને ત્યાં જવાની તીવ્ર ઈચ્છા હતી. જાણે કે તેને પોતાના કોઈ અધૂરા સવાલોના જવાબ મળવાના હોય. ઘડિયાળના કાંટાની સાથે સાથે સ્વીકૃતિના પગ પણ ચલિત થઈ રહ્યા હતા.
*******
ગોલ્ડન ટ્રાયેંગલ કોફી શોપ
સાંજે 4.00 નો સમય,
આજે એ છોકરી ફરી નિશ્ચિત સમય પર કેફે પહોંચી ગઈ હતી. આજે કેફેની બહાર તે દિવસ કરતા ઓછા વાહનોની ભીડ હતી એટલે તેને થોડી હાશ થઈ. આછા ગુલાબી અનારકલી ટાઈપ લોંગ કુર્તીમાં અને ગળામાં દિલ આકારના પેન્ડન્ટ અને શૂટિંગ સ્ટાર આકારની ઈયરરિંગ્સમાં તે અત્યંત આકર્ષક લાગી રહી હતી. સાંજના ચારના સૂર્યના કિરણો તેના લાલાશ પડતા વાળને ચમકાવી રહ્યાં હતા. જમણા હાથની મિડલ ફિંગરમાં વાદળી રંગના જેમસ્ટોનની વીંટી જણાવતી હતી કે કદાચ તેની કુંડળીમાં શનિ આગળ પડતો ભાગ ભજવી રહ્યો છે. એ જ હાથની કનિષ્ઠિકામાં એક સુંદર મોતીની વીંટી પણ હતી, જે તેની સાદાઈભરી ખૂબસુરતીમાં પણ વધારો કરી રહી હતી.
તે જેવી અંદર પ્રવેશી કે તરત જ તેની નજર એ જ કોર્નરવાળા ટેબલ પર પડી જ્યાં અંજામ બેઠો હતો. આજે પણ એ જ ટેબલ પર કોઈ બેઠું હતું. તેણીએ જેવું નજીક જઈને જોયું કે તરત જ તેની આંખોમાં આશ્ચર્યની સાથે એક ખુશીની ચમક ઊતરી આવી..
એક એવી ચમક જે કોઈ રાહીની આંખોમાં મંજિલને સામે જોતા જ ઊભરી આવે…
એક એવી ચમક જે કોઈ વણઉકલ્યા રહસ્યનો જવાબ મેળવતા જ આવે…
એક એવી ચમક જે કોઈ પોતાનાને પોતાની સૌથી નજીક પામીને થાય…
એક એવી ચમક જે તરસ્યાને પાણી જોતાની સાથે જ થાય…
ફરીથી તે અંજામવાળા ટેબલ પર આવીને બેસી ગઈ.
“હાય..ગુડ ઈવનિંગ”, અવાજ સાંભળીને અંજામને લાગ્યુ તો ખરા કે આ એ જ અવાજ છે જે બે દિવસ પહેલા તેણે સાંભળ્યો હતો. યાદ આવતાની સાથે જ તેના ચહેરા પર એક સ્મિત રેલાઈ ગયું.
“અચ્છા, તો મિ. રાઈટર સ્માઈલ પણ કરે છે ???” એ છોકરીએ સ્મિત સાથે પ્રશ્ન કર્યો.”
“તો તમને શુ લાગે છે કે રાઈટરો દુખી આત્મા જ હોઈ શકે”, અંજામે ફરમાવ્યું.
“ના, એવું તો કઈં નહી પણ આમ અમુક વાર આપણે આપણી પસંદને કોઈ અલગ પ્રકારના સ્મિત કરતા અનુભવીએ ને તો બહુ આનંદ થાય, ખાસ કરીને એ વ્યક્તિને જ્યારે તમે તેના કોઈ કાર્ય કે સિદ્ધિ વગર જ તેને ચાહતા હોવ.”, એ છોકરીએ જવાબ આપ્યો.
“થેન્ક યુ, જાણીને આનંદ થયો કે એક અનજાન રાઈટર કોઈની પસંદ પણ હોઈ શકે છે, વધુ આનંદ એ વાતનો થયો કે તમારી મારા પ્રત્યેની ચાહતનું કારણ હું જ છું, મારું કોઈ કાર્ય કે સિદ્ધિ નહી. આપનો આભાર”, અંજામે પહેલી વાર કોઈ છોકરી સાથે આવી રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો હશે. કર્ટેસી દર્શાવતી વખતે તેના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું. એ પછીના બે કલાક સુધી અંજામ અને એ છોકરી વચ્ચે સારો એવો સંવાદ થયો, જેની પૂર્ણાહુતિ નામની પૂછપરછ સાથે થઈ.
“શુ નામ છે આપનું ???”, એ છોકરી ઊભી થઈને જવાની તૈયારીમાં જ હતી અને અચાનક તેના કાને આ પ્રશ્ન અથડાયો.
“ક્યા જલદી હૈ જનાબ, અભી તો ઔર કઈ મુલાકાતે બાકી હૈ, મિલતે હૈ ઈક બ્રેક કે બાદ”, જતા જતા એ છોકરીએ આંખ મારીને અંજામને “સાયોનારા” કહ્યું અને એ ચહેરાની નિર્દોષતા પર અંજામ મલકાઈ ગયો. તેની આંખોમાં એક આકર્ષણની ઝલક હતી.
(ક્રમશ:)
- આદિત શાહ