અત્યાર સુધી….
અજાણી વ્યક્તિના ફોનને લીધે સ્વીકૃતિ ચિંતામાં મૂકાઈ જાય છે. બીજી તરફ, અંજામના ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકતાની સાથે જ લાઈક અને કમેન્ટની વણઝાર લાગે છે. બરાબર એ જ સમયે તેના મેસેજ બોક્સમાં નૂર નામની કોઈ છોકરીનો મેસેજ આવે છે અને ધીમે ધીમે વાતચીતમાં બંને વચ્ચે નાની ચકમક ઝરે છે. સમયાંતરે અંજામ અને નૂર વચ્ચે એક વાચક અને લેખક તરીકેનો સંવાદ ચાલતો રહે છે, જે દરમિયાન નૂર ઘણી વાર અંજામને મળવા માટે કહે છે પણ અંજામ માનતો નથઈ. આથી નૂર હવે તેને મળવાના બીજા રસ્તા શોધે છે જેમાં તે સફળ થાય છે અને શોધખોળ કરીને તે અંજામને મળવા ગોલ્ડન કેફે પહોંચે છે, જ્યાં પહેલી વાર તે અંજામને મળે તો છે પણ તેને ત્યાં અંજામના લખાણમાં અનુભવાયેલી કડવાશ રૂબરૂ જોવા મળે છે. હવે આગળ…..
પ્રકરણ 5
રોજ શાંતિથી અને મન લગાવીને કામ કરતા અંજામનો આજે ત્રણ હોટ કોફી પીધા પછી પણ કામ કરવામાં મૂડ આવતો ન હતો. બીજી બાજુ કેફેમાં વધી રહેલી ભીડ અને હોહાથી કંટાળીને એણે પોતાની ડાયરીમાં પોતાની જ નોવેલ “ધેટ્સ વ્હાય આઈ એમ ચેન્જડ” નું બુકમાર્ક મૂકીને બંધ કરી અને બેગમાં મૂકી. બીજી જ સેકન્ડે વેઈટરને એકસો એંસીનું કેશ પેમેન્ટ અને વીસ રૂપિયાની ટીપ આપીને પોતાના પગ બેઝમેન્ટ તરફ રવાના કર્યા. બેગ ઊપાડતા તેણે વેઈટરને બિલકેસમાં રહેલી ટીપ લેવા ઈશારો કર્યો અને વેઈટરની આંખમાં આવેલી ચમકને જોઈને તેને પણ એક અજાણ્યા આનંદની અનુભૂતિ થઈ.
સાંજના સાડા સાત થઈ ચૂક્યા હતા અને ઉપરાઉપરી ત્રણ કોફી પીધા પછી હવે અંજામને કઈં ખાવાની ઈચ્છા હતી નહિ. તેથી તેણે વહેલા તે પહેલાના ધોરણે પોતાની એક્ટિવા પોતાના ઘર તરફ મારી મૂકી. રૂટિન કામકાજ માટે અંજામ પોતાનું ટુ વ્હીલર જ વધારે પ્રિફર કરતો. લગભગ વીસેક મિનિટના ડ્રાઈવિંગ બાદ તે ઘેર પહોંચ્યો. લિફ્ટ ચાલુ હોવા છતાં સાહેબ દાદરા ચઢીને જવાનું જ પસંદ કરતા, જેથી તેમની સેહત બરકરાર રહે. ઘેર આવીને પોતાનું બેગ રોજની જેમ જ છૂટું પલંગ પર ફેંક્યું અને બાલ્કનીમાં લગાવેલા ઝૂલા પર લંબાવી દીધું. આખા દિવસના કામના લીધે લાગેલા થાકને પરિણામે હવે તેનામાં કઈં જ કરવાની ઈચ્છા ન હતી. પાસે પડેલા ટેબલ પર ગોલ્ડફ્લેક લાઈટનું પેકેટ અને ત્રણ ચાર જાતના લાઈટર પડેલા હતા. અંજામને લાઈટર અને કી-ચેઈન ભેગા કરવાનો શોખ હતો. ગિફ્ટ તરીકે હંમેશા તેને ફક્ત પુસ્તક અને રિસ્ટ વોચની અપેક્ષા રહેતી અને જાણે કુદરત આ બાબતમાં તેની પડખે ઊભી હોય એમ તેને ગિફ્ટમાં હંમેશા પુસ્તકો જ મળતા. આ વાતની તેને એક અલગ જ ખુશી રહેતી. નજીક પડેલું એક લાઈટર ઊપાડીને તેણે એક ગોલ્ડફ્લેક લાઈટ સળગાવી અને આંખો બંધ કરી, પોતાના ફોનમાં મ્યુઝિક ચાલુ કરી એક ઊંડો કસ ખેંચ્યો. આખા દિવસમાં ઘરથી કેફે અને કેફેથી ઘર સુધીની સફર પૂરી કર્યા પછી ફરી એક વાર અંજામના મગજમાં વિચારોની સફર શરૂ થઈ હતી. વારંવાર તેની નજર સામે એ જ છોકરીનો ચહેરો આવી જતો હતો, જે તેને અમુક હદ સુધી વિચલિત કરી રહ્યો હતો. મ્યુઝિક એપમાં વાગતું હેટ સ્ટોરી મૂવીનું “ચહેરા તેરા દિલમેં માહે જાન” ગીત તેના વિચારોના વૃંદાવનમાં ઓર ઊહાપોહ મચાવી રહ્યું હતું અને ફરી એ જ વિચાર, એ જ ચહેરાની સાથે તેની બંધ આંખો સમક્ષ આવીને ઊભો રહી જતો હતો. સિગારેટના એક એક કસની સાથે સાથે તેના વિચારોની પણ ઊંડાઈ વધતી જતી હતી.
કંટાળીને તેણે સિગારેટના છેલ્લા કશ સાથે એનું ઠૂંઠૂ એશ-ટ્રેમાં નાખ્યું અને બીજી સિગારેટ ઉપાડી. આ બીજી અને એની પહેલાની સિગારેટની વચ્ચે પહેલેથી જ તે બીજી ચાર સિગારેટ ફૂંકી ચૂક્યો હતો. ઘડિયાળમાં નજર કરી અને સવા નવ થયાનું ભાન થતા જ તેણે પોતાના નિત્યક્રમ મુજબ પોતાનું ઈન્સ્ટાગ્રામ ચાલુ કર્યુ. પહેલાથી જ તેના નોટિફિકેશન પેનલમાં તેને તેના વાચકોએ સેલ્ફી લીધેલા ફોટોમાં અને તેના સ્ટેટસ ઈમેજીસમાં ટેગ કરેલા હોવાના નોટિફિકેશન હતા. એ તમામ પર સિંગલ ટચ લાઈક્સ આપીને તેના અંગૂઠાએ ઈનબોક્સ તરફ પ્રયાણ કર્યુ. તરત જ તેની નજર નૂરના આવી પડેલા મેસેજ પર ગઈ. તેણે ચેટ વિન્ડો ઓપન કર્યુ.
“સરસ”
“થેન્ક યુ નૂર”, અંજામે સવારે લખેલા વનલાઈનર પર આવેલી નૂરની કમેન્ટનો અંજામે રિપ્લાય આપ્યો.
“વેલકમ. ખરેખર તમે ખૂબ સરસ લખો છો”
“થેન્કસ. એક નવી કોલમ આવી રહી છે.”
“અરે વાહ. મારા ગ્રુપમાં પણ બધાને વાંચવું ગમે છે. હું મારી બધી ફ્રેન્ડસને તમારી લિંક મોકલું.”
“બસ એ જ કાફી છે મારા માટે, નૂર”
“આવું જ લખતા રહેજો”
“ઘણી વાર એમ લાગે કે મારી કલમ અને મારા શબ્દો નબળા પડી રહ્યા છે પણ તમારા જેવા વાચકો તરફથી મળતી પ્રશંસા અને પ્રતિક્રિયા ફરીથી મારો આત્મવિશ્વાસ વધારી દે છે.”
“આજનો ટોપિક પણ સારો હતો… એટિટ્યૂડ. ઓસ્કાર સિરીઝ બહુ જ સરસ છે.”, નૂરે ફરીવાર અંજામને વખાણ્યો. બીજી તરફ અંજામ પણ પહેલી વાર કોઈ સ્ત્રી વાચક સાથે આટલી વાતચીત કરી રહ્યો હતો. સિગારેટના કેફની માદકતા તેને હજી આ સંવાદ પર અડ્યા રહેવા તાજગી અર્પી રહી હતી.
“ઓસ્કારને લઈને હું બહુ નર્વસ હતો. કારણ કે જ્યારે હું તેને લખી રહ્યો હતો ત્યારે માનસિક રીતે તૈયાર ન હતો.”
“તો આટલા સારા લેખનો શ્રેય કોને આપવો મારે ???”, નૂરે પ્રશ્ન કર્યો.
“હાર્દિકભાઈ દવે અને મારો ખરાબ મૂડ…બંનેને.. હાર્દિકભાઈ મારા લિટરેચર ગુરુ છે. એ હંમેશા લેખનની બાબતમાં મારુ માર્ગદર્શન કરે છે અને બીજો મારો ખરાબ મૂડ. ભગવાનને હંમેશા પ્રાર્થના કરજો કે મારો મૂડ ખરાબ જ રહે કારણ કે હું એ જ અવસ્થામાં સારુ લખુ છું એવી મારી માન્યતા છે.”
“હા, થાય એવું. એવી જ પરિસ્થિતિમાં હકીકત બહાર આવે. પણ એના માટે મૂડ ઓફ ન કરાય.”
“મારા હાલાત જ એવા રહે છે તો શુ કરું. હું બીજાને મોટિવેટ કરી શકું છું પણ પોતાની બાબતમાં હકીકત બદલવી આસાન નથી હોતી.”
“બધા વખાણે છે તમારા આર્ટિકલને”
“બસ તમારા જેવા વાચકોના આશિર્વાદ મળતા રહે અને મા સરસ્વતીની કૃપા રહે એટલે લખતા રહીશું”
“એક સવાલ પૂછુ કે લખવાથી ફાયદો શુ થાય છે તમને ???”
“સુકૂન. સુકૂન મળે છે દિલને અને મનની ભડાશ નીકળી જાય છે.”
“હા, એ પણ છે જો કે દરેક માણસ જોડે આવી સ્કિલ્સ નથી હોતી લાઈક મી.”
“હાહાહાહા… બહુ ઓછા લોકો છે જેને આ સ્કિલ હજમ થાય છે અને એ જ કારણ છે કે બહુ ઓછા લોકો મારી સાથે લાંબા સમય માટે કનેક્ટેડ રહે છે કારણ કે મારી વાણી અને મારા વિચારો બહુ કડવા છે”
“સાચી વાત છે. સત્ય હંમેશા કડવું જ લાગે”
“એટલે જ મને ડાયાબિટીસ નથી થયો હજી સુધી અને કદાચ થશે પણ નહિ.”
“સારુ. ચાલો ફરી મળીશું આજે મળ્યા એમ જ”, નૂરે ગુડ નાઈટ વિશ કરવા પૂર્વભૂમિકા બાંધી અને અંજામે સમય તરફ ધ્યાન આપીને ટૂંકા “હમ્મમમમ…” સાથે એ રાત પૂરતો સંવાદ તો પૂરો કર્યો પણ હજી પણ નૂર સાથેની વાતનું છેલ્લું વાક્ય તેના કાનોમાં ગૂંજી રહ્યું હતું.
(ક્રમશ:)
- આદિત શાહ