અત્યાર સુધી….
અંજામ અને સ્વીકૃતિનું બોન્ડિંગ મજબૂત થઈ રહ્યું હતું. એકલતા અને ગમગીનીના સંજોગોમાં મળેલા બે તૂટેલા દિલ એકબીજાને જોડી તો રહ્યા હતા પણ સ્વીકારી રહ્યા ન હતા. થોડા સમય પછી અંજામના જન્મદિનની ઊજવણીનું સિક્રેટ પ્લાનિંગ થઈ રહ્યું હોય છે. બર્થ ડે સેલિબ્રેશનની પાર્ટીમાંથી પાછા વળતી વથતે રાજશ્રી અંજામને આગળ વધવા કહે છે, જ્યાં તેનો ઈશારો સ્વીકૃતિ સાથે પ્રભુતામાં પગલા પાડવા સંબંધી હોય છે. જે બાબતે એ ત્રણેય વચ્ચે નાની તકરાર જેવું થઈ જાય છે. હવે આગળ…..
પ્રકરણ 10
“શુ વિચાર્યુ છે પછી ??”, સ્વીકૃતિએ અંજામને પૂછ્યું.
“શાના વિશે ??”
“રાજશ્રી જે કહીને ગઈ એના વિશે”
“પાગલ છે એ તો સાવ”, અંજામે સ્વીકૃતિની વાત ઊડાવવાનો પ્રયત્ન કર્યો પણ સ્વીકૃતિને તેની ભનક લાગી ગઈ હતી. બીજી તરફ તેણે જે બીડું ઝડપ્યું હતું તેમાં સફળ થવા માટેનું આગલું પગલું ભરવાનો સમય આવી ગયો હતો.
“પાગલ છે એટલે જ આટલી માસૂમિયત સાથે જીવી રહી છે. તે આટલા મેચ્યોર થઈને શુ ઉખાડી લીધું ???”,સ્વીકૃતિએ પહેલી વાર કોઈ નવીન અંદાજમાં વાત કરી હતી. આ વખતે તેના ચહેરાના હાવભાવ અને વાત કરતી વખતે અવાજનો ટોન બંને બદલાયેલા હતા. આમ તો તથાગત જોઈન કર્યા પછી સ્વીકૃતિ અને અંજામની વચ્ચેના “તુ-તારી”ની જગ્યા અમુક માનવાચક શબ્દોએ લઈ લીધી હતી. ઘણા સમય પછી અને ખાસ કરીને આજે જ સ્વીકૃતિના મોઢેથી “તુ” શબ્દ સાંભળીને તે સ્તબ્ધ પણ અને નિશબ્દ પણ થઈ ગયો હતો. તે અવાક નજરે બસ સ્વીકૃતિને જોઈ રહ્યો હતો.
“જોવે છે શુ.. તારી સાથે જ વાત કરી રહી છું”
“હમમ…. હ..જી વિ…ચા…ર્યુ નથી આમ તો”, અંજામે અચકાતી જીભે જવાબ આપ્યો.
“હા, તો વિચાર યાર. એમાં ખોટું શુ છે. એક મોકો તો આપી જો”
“બે યાર…. સ્વીકૃતિ તું સમજતી નથી”
“શુ સમજુ હું ??? …. કહીશ મને… સાંભળ્યા મે તારા તર્ક અને વિતર્ક.. કિતાબ ને પન્ના ને વમળ ને વિશ્વાસ. કઈ બાબતનો વિશ્વાસ નથી…??? અને વિશ્વાસ મારા પર નથી કે પોતાના પર નથી…???” સ્વીકૃતિના જવાબમાં સખત અકળામણ હતી, જેનો આજે અંજામ સમક્ષ ઊભરો ઠલવાઈ રહ્યો હતો. શાયદ તેને પણ ઘણા સમયથી પોતાની હૈયાવરાળ ઠાલવવી હતી પણ કોઈ સમજી શકે એવું વ્યક્તિ મળતું જ ન હતું અને જે વ્યક્તિ મળ્યું હતું એ સમજવાનો પ્રયાસ કરવા તૈયાર ન હતું તેમ છતા તેણે પોતાની મહેનત ચાલુ રાખી.
“સૌથી પહેલા આપણે ઈન્સ્ટા પર મળ્યા. એ પછી એક વાચક તરીકે અને એક ફેન તરીકે તારી નજીક આવી. એ પછી તારા વનલાઈનર્સ નહિ, પણ એમાં સમાયેલા તારા ઊંડા વિચારો અને સમજશક્તિના લીધે હું તારા તરફ વળી અને એકદમ ગંદા ભૂતકાળના અનુભવો વાગોળ્યા પછી પણ કદાચ પહેલી વાર કોઈ વ્યક્તિને, કોઈ પુરુષને મળવા ગોલ્ડન કેફે સુધી લંબાઈ. આટલે સુધી હું જતે તારી તરફ આવી હતી પણ એ પછી…. એ પછી જે કઈં પણ થયું એ વિધાતાની જ લખેલી ઘટનાઓ હતી ને…”
“જેમ કે…??”, અંજામ સ્વીકૃતિના કહેલા એક એક શબ્દો અને વાક્યોને ઊંડાણપૂર્વક સમજવા મથી રહ્યો હતો.
“એ પછી રાજશ્રીનું અચાનક મને તારા ત્યાં જોબ માટે મોકલવું, તારું અને મારું મળવું, આખો દિવસ સાથે સમય ગાળવો અને હવે લગભગ છેલ્લા દોઢેક મહિનાથી આપણે સાથે આવીએ છીએ. તું પણ મારી એટલી જ કાળજી લે છે જે મારાથી છૂપું નથી, તો આ છે શુ એ મને સમજાવીશ…??? વિચ કાઈન્ડ ઓફ રિલેશનશિપ ઈઝ ધિઝ..???”, સ્વીકૃતિએ છેલ્લે મજબૂત પ્રાશ્નિક બાણ છોડ્યું જેના જવાબમાં તેને ઔર મજબૂત તીર ઝીલવું પડ્યું.
“એન એક્સિડેન્ટલ રિલેશનશિપ….”, અંજામના જવાબે વાતાવરણના સન્નાટામાં ઓર ઉમેરો કર્યો.
“સ્વીકૃતિ, હું નથી જાણતો કે આ જે કઈં પણ થઈ રહ્યું છે એ વિધાતાનું લખેલું છે કે નહિ પણ હું એટલું જાણુ છું કે જો આપણે રિલેશનશિપમાં જોડાઈશું તો આપણી દોસ્તીમાં પહેલા જેવી નિખાલસતા નહીં રહે, પહેલા જેવી મિઠાશ નહીં રહે. હું છેલ્લા દોઢેક વર્ષમાં બહુ બધું ગુમાવી ચૂક્યો છું એન્ડ ટ્રસ્ટ મી, હું તારા જેવી વ્યક્તિને કદી ગુમાવવા નહિ માંગું. હવે એટલી તાકાત નથી મારામાં કે ફરી એક વાર દોસ્તીનો મજબૂત પાયો મારા જીવનની નીવમાંથી તૂટતો જોઉ. એક વાર જે ભૂલ કરી ચૂક્યો છું એ ફરી દોહરાવવા નથી માંગતો. તારિકા…. નામ હતું એ વ્યક્તિનું જેના વિશે રાજશ્રી વાત કરી રહી હતી હમણાં. ત્રણ વરસ આપ્યા હતા અમે એકબીજાને અને તેમ છતા……”, અચાનક આગળની તરફ જોઈને વાત કરી રહેલા અંજામને પોતાના હોઠ પર એક નરમ આંગળીનો સ્પર્શ થયો અને તેનું ઐક્ય તૂટ્યું.
“મને કોઈ જ રસ નથી એ તમામ બાબતો જાણવામાં જે મારા માટે અને હવે આજ પછીથી તારા માટે પણ અર્થહીન છે. આજે બર્થ ડે તો તારો છે પણ હું તારી પાસે ગિફ્ટ માંગુ છું. બોલ આપીશ…??? અને એ પણ એક નહિ, બબ્બે જોઈએ..”
“માંગ… આજ સુધી તો કોઈ પાછું નથી ગયુ. ફક્ત એટલી આશા રાખું છું કે જે પણ માંગીશ એ સમજી વિચારીને અને મારી ઓકાત બહારનું ન હોય એવું માંગીશ.”
“એટલો તો વિશ્વાસ છે ને…???”
“ઉમ્મ્મ…. ના, એના કરતા તો થોડો વધારે જ..”, અંજામ હસી પડ્યો.
“બોલ, માંગ”
“એક, આજ પછી તારો કોઈ અતીત નહિ હોય. તારી આખી લાઈફ ફક્ત એક કોરી ડાયરી જ હશે. પ્રોમિસ..??”
“આપ્યું..એક્સેપ્ટેડ…”, અંજામે પહેલી વાત સ્વીકારી લીધી કારણ કે ક્યાંક ને ક્યાંક તે પણ એ બોજમાંથી આઝાદ થવા માંગતો હતો અને હવે તેને સ્વીકૃતિની વાતો પર અને તેના તર્ક પર વિશ્વાસ થઈ રહ્યો હતો.
“નેક્સ્ટ…???”
“દસ દિવસ… મને તારી જિંદગીના કાલથી લઈને આવનાર દસ દિવસ આપ..”
જેવું સ્વીકૃતિએ બીજું પ્રોમિસ માંગ્યુ કે અંજામે રોડની લેફ્ટ સાઈડ પર ગાડી દબાવી અને કહ્યું.
“આવી ગયું તમારું ડેસ્ટિનેશન”
“હમ્મ્મ…. વાત પૂરી થાય એ પહેલા જ… ઘણી વાર મંજિલ સફર તય કરતા પહેલા જ સામે આવી જતી હોય છે.”, એમ કહીને તે ગાડીમાંથી ઉતરી અને અંજામને બાય કહેવા પાછી ફરી.
“આપ્યા…. દસ દિવસ આપ્યા અને જોડે ત્રીજી ગિફ્ટ એ પણ આપું છું કે મારી કોરી કિતાબને ખુશીઓના રંગોથી ભરવામાં પૂરેપૂરો સહયોગ આપીશ પણ શરત એટલી જ કે કોઈ પણ બાબતમાં મને ફોર્સ નહિ કરવાનો. હું જે રીતે અનુભવીશ એ રીતે વર્તીશ. હા, ક્યાંક ગલત હોઉં તો ટકોર કરવાનો હક આપું છું તને… ખુશ હવે….???”, અંજામે એક સ્મિત સાથે આંખ મારીને પૂછ્યું.
અને જવાબમાં સ્વીકૃતિ એક મૌનભર્યું સ્મિત આપીને ચાલી ગઈ.
(ક્રમશ:)
- આદિત શાહ