અમદાવાદ : અમદાવાદ શહેરમાં એએમટીએસ દ્વારા દોડાવવામાં આવતી બસની હાલત દિનપ્રતિદિન કફોડી અને ખરાબ બની રહી છે. આના કારણે મોટી સંખ્યામાં લોકોની ફરિયાદ ઉઠી રહી છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. એએમટીએસ દ્વારા કરવામાં આવતા તમામ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. બસોની સંખ્યા, બસોની સ્થિતિ, બસોના રુટ અને સમયને લઇને વ્યાપક ફરિયાદો જુદા જુદા વિસ્તારોમાં ઉઠી રહી છે.
સ્કુલ અને કોલેજામાં જતા બાળકો તથા નોકરી પર જવા માટે મોટાભાગે એએમટીએસનો ઉપયોગ કરતા લોકોની એવી ફરિયાદ છે કે, સૌથી પહેલા તો એએમટીએસની બસોના ટાઈમ સચવાતા નથી. મોટાભાગે બસ નિયમિતરીતે આવતી નથી. આ ઉપરાંત બસ સ્ટેન્ડ પર બસને રોકવાને લઇને પણ ડ્રાઇવરોની ઉદાસીનતા અને ઇચ્છાશક્તિના લીધે યાત્રીઓને મુશ્કેલી નડી રહી છે. બસ ડ્રાઇવરો ઇચ્છા મુજબ જ બસને રોકવા અથવા તો નહીં રોકવાના નિર્ણયો લેતા રહે છે.
આવી સ્થિતિમાં ઘણી વખત સવારમાં નોકરી પર જતા લોકોને અટવાઈ જવાની ફરજ પડે છે અને નિયમિતરીતે ઓફિસ પહોંચવા માટે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. ડ્રાઇવરોની આટલી બેદરકારી ઓછી હોય તેમ ઘણી વખત એએમટીએસના ડ્રાઇવરો દ્વારા બસ ખાલી હોવા છતાં પણ બસ સ્ટેન્ડની નજીક લાવવાના પ્રયાસ કરતા નથી અને ડિવાઇડરની નજીક બસને ચલાવીને બસ સ્ટેન્ડની નજીકથી નિકળી જતાં હોય છે. આવી સ્થિતિમાં બસમાં બેસવા માટે લોકોને ખુબ મુશ્કેલી પડે છે. અકસ્માત થવાનો ખતરો વધી જાય છે. ઘણી વખત સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ જાખમ લઇને પણ ડિવાઇડર નજીકથી બસ ચલાવીને લઇ જતાં ડ્રાઇવરોની બસમાં બેસવાની હિંમત કરવામાં આવે છે જેના કારણે મોટા અકસ્માતનો ખતરો રહે છે.
પાછળથી આવતા વાહનોની ટક્કર વાગવાનો ખતરો રહે છે. વરસાદી માહોલ હોવાના કારણે આ ખતરો અનેકગણો વધી જાય છે. ઉપરાંત બસની સંખ્યા પણ ઓછી હોવાની બાબત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કારણ કે, ભરચક રહેતા રુટ ઉપર મોટાભાગે બસ ભરચક હોય છે. આ પ્રકારના રુટ પર વધારે પ્રમાણમાં બસ મુકવાને લઇને કોઇ નિર્ણયો વહેલીતકે કરવામાં આવતા નથી. આ પણ એક મોટી સંખ્યા ઉભરીને સપાટી ઉપર આવી છે. જુદા જુદા વિસ્તારોમાં ચાલી રહેલા ખોદકામ સહિતના કામના લીધે પણ ઘણા રુટ બદલાઈ જવાથી નોકરી પર જતાં લોકો અને વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે.