અમદાવાદ : ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇ હવે પ્રચાર-પ્રસારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ દ્વારા તાજેતરમાં ભરાયેલા ઉમેદવારીપત્ર દરમ્યાન રજૂ થયેલા સોગંદનામાને લઇ ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આ સમગ્ર મામલે ચૂંટણી પંચ સમક્ષ ગંભીર ફરિયાદ કરી છે. જેને લઇ હવે ગુજરાતની લોકસભા ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે.
અમિત શાહના સોંગદનામામાં ખોટી વિગતો અને માહિતીઓનો ઉલ્લેખ કરાયો હોઇ કોંગ્રેસે જોરદાર વાંધો ઉઠાવી લડાયક મૂડમાં આવી ગઇ છે ત્યારે બીજીબાજુ, ભાજપે આ મુદ્દાને કોંગ્રેસની હતાશા ગણાવી હતી. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ એહમદ પટેલ, રણદીપ સૂરજેવાલા, જયરામ રમેશ, અભિષેક મનુ સિંઘવી સહિતના નેતાઓ ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા હતા અને અમિત શાહના સોંગદનામા સામે સવાલો ઉઠાવી ઉમેદવારી પત્ર અમાન્ય કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસ તેની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે, શાહના સોગંદનામામાં અનેક વિસંગતતાઓ છે અને ઘણી માહિતી એવી છે કે જે છુપાવવામાં આવી છે.
એક રીતે જોવા જઇએ તો, સોંગદનામાં ખોટી માહિતી રજૂ કરી અમિત શાહ દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને લોકપ્રતિનિધિત્વ ધારાની જાગવાઇઓનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉમેદવારીફોર્મ ભરાયું ત્યારે જ કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા હતા પરંતુ ચૂંટણી અધિકારીએ તે ધ્યાને લીધા ન હતા. આ સંજાગોમાં ચૂંટણી પંચે અમિત શાહના ઉમેદવારી પત્રને અમાન્ય કરવાની દિશામાં કાર્યવાહી કરવી જાઇએ. કોંગ્રેસની ચૂંટણી પંચને અમિત શાહના સોગંદનામાને લઇ કરાયેલી ફરિયાદને પગલે ગુજરાત લોકસભાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઉમેદવારી ફોર્મ પર સવાલ ઉઠાવ્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, અમિત શાહના સોગંદનામામાં અનેક વિસંગતતાઓ છે,તેમણે અનેક માહિતીઓ છુપાવી છે. તેમજ સોગંદનામામાં ખોટી માહિતી આપી છે. તેમાં ગિરવે મુકેલા પ્લોટની કોઈ માહિતી નથી તેમજ લોન સંદર્ભની માહિતી પણ છુપાવવામાં આવી છે. ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે. કોંગ્રેસ આ મુદ્દે ન્યાયની લડત આપશે.