અમદાવાદ : નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી બનેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે તા.૩ અને ૪ જૂલાઈ એમ બે દિવસ દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવનાર છે. રથયાત્રાના દિવસે તા.૪ જુલાઈના રોજ અમિત શાહ ૧૭મી વખત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે મંગળા આરતી ઉતારશે અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર પરિવાર સાથે મંગળા આરતી ઉતારશે.
આ સિવાય ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યકરો દ્વારા અમિત શાહનો અભિવાદન સમારોહ યોજવામાં આવશે. માત્ર એટલું જ નહીં, શાહ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યસભાની બે બેઠકોની યોજાનારી ચૂંટણી અંગે પણ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજશે. તા.૪ જુલાઈના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરની ૧૪૨ મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો, ભાજપના પ્રદેશ નેતાઓ અને આગેવાનો પણ શાહની મુલાકાતને લઇ તેમના સ્વાગત-અભિવાદનને લઇ તૈયારીમાં પડયા છે.
અમિત શાહ છેલ્લા ૧૬ વર્ષોથી દર વર્ષે રથયાત્રાના દિવસે નિયમિત રીતે જગન્નાથજી મંદિરમાં વહેલી પરોઢે મંગળા આરતી માટે પરિવારજનો સાથે આવી જાય છે અને ભારે શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા સાથે તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી ઉતારે છે અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રના દર્શન કરી દાન-પુણ્ય કરે છે. વર્ષોથી ભગવાન જગન્નાથજી મંદિર સાથેની જાડાયેલી તેમની આ પરંપરા અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા પછી પણ જાળવી રાખવાના છે તેને લઇ મંદિર સત્તાધીશોમાં પણ ઉત્સાહની લાગણી જાવા મળી છે.