અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પશ્ચિમ ઝોનમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીએ પાણીની પાઇપલાઇનનું ગેરકાયદેસર જોડાણ કરી આપવા માટે રૂ.૨૫,૦૦૦ની માગણી કરી હતી. ગેરકાયદેસર જોડાણ કરવા માટે મજૂર દ્વારા લાંચની માગણી કરવામાં આવતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવી અને કોર્પોરેશનના ઈજનેર વિભાગના મજૂરને ૨૦ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો હતો.
એસીબીમાંથી મળતી માહિતી મુજબ, શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા કલેક્ટર ઓફિસની બાજુમાં બત્રીસી હોલ દ્વારા પાણીની નવી પાઈપલાઈન લેવા માટે અરજી કરવામાં આવી હતી. જેથી ઇજનેર વિભાગ દ્વારા પાણીની નવી પાઈપલાઈનનુ ખોદકામ શરૂ કર્યું હતું. કામ ચાલતુ હોય હોલની બાજુમાં રહેતા વ્યક્તિએ પોતાના મકાનની પાણીની પાઈપલાઈન નાખવા માટે ઇજનેર વિભાગમાં સ્ટેડિયમ વોર્ડમાં મજૂર તરીકે ફરજ બજાવતા હેમરાજભાઈ દાફડા (રહે. પંચશ્લોક હોમ્સ,ત્રાગડ રોડ,ચાંદખેડા) સાથે બત્રીસી હોલની પાણીની પાઈપલાઈન સાથે તેઓની પાણીની પાઇપલાઈનનુ ગેરકાયદેસર રીતે જોડાણ કરી.
પાણીની પાઈપલાઈનનું ગેરકાયદેસર જોડાણ કરવા માટે કોર્પોરેશનના મજૂર વર્ગના કર્મચારી હેમરાજભાઈએ રૂ.૨૫૦૦૦ની લાંચની માગણી કરી હતી. રકઝકના અંતે રૂ.૨૦,૦૦૦ નક્કી કર્યા હતા. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી ફરિયાદ આપતા એસીબીએ લાંચનુ છટકું ગોઠવ્યું હતું અને રકઝકના અંતે નક્કી થયેલી લાંચની રકમ રૂ.૨૦,૦૦૦ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો.