અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે પોતાના બાકી રહેલા દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ-વિદેશના પ્રવાસે જવાની ઇચ્છા મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ માટે તમામ કમિટીઓના ચેરમેનોની આગેવાની લઇને મનપાના હોદ્દેદારોને રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. અમ્યુકોની ચૂંટણી પહેલાં કોર્પોરેટરોના વિદેશ પ્રવાસના અભરખાની વાત ભાજપ મોવડીમંડળ સુધી પણ પહોંચાડાય તે માટેનો તખ્તો તૈયાર કરાયો છે પરંતુ બીજીબાજુ, વિદેશ પ્રવાસનું રાજકારણ અને વિવાદ ગરમાય નહી તે માટે ચૂંટણીના કારણે વિદેશ નહી પરંતુ ભારતમાં જ સ્થળો નક્કી કરવા દબાણ ઉભુ થયુ હોવાની વાત સામે આવી રહી છે.
જા કે, કોર્પોરેટરોના વિદેશ પ્રવાસને લઇ વિપક્ષ કોંગ્રેસ પણ ટાંપીને બેઠુ છે અને આ મુદ્દાને લઇ શાસક પક્ષને ફરી એકવાર ઘેરવાની ફિરાકમાં છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા મનપાના કોર્પોરેટરો દેશ-વિદેશના પ્રવાસે જતાં હતાં. જા કે, આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કેટલીક ફરિયાદો ઉઠવા પામી હતી, જેને ધ્યાનમાં લઇને કોર્પોરેટરોના પ્રવાસ બંધ કરાવી દીધા હતા. એ સમયે કોઇ કંઇ રજૂઆત કરી શક્યું નહોતું,
પરંતુ રૂપાણી સરકારને સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે, તેથી તેનો લાભ લઇને ફરવા જવાની ઉત્સુકતા કોર્પોરેટરો દર્શાવી રહ્યાં છે. આ માટે મોવડીમંડળને રજૂઆત કરવામાં આવે તે માટેનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોર્પોરેશનની ચૂંટણી નજીક હોવાથી જો કોર્પોરેટરો વિદેશ પ્રવાસે જાય તો અપ્રચાર થઇ શકે છે. તેથી ભારતમાં જ જુદા-જુદા સ્થળો નક્કી કરવા જણાવવામાં આવ્યું છે. કોર્પોરેટરોને એકસાથે કોઇ એક જગ્યાએ જવાના બદલે કમિટી ચેરમેનોને સભ્યો સાથે દેશના વિવિધ રાજ્યોનાં પ્રવાસોનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી છે. જા કે, હવે શાસકપક્ષના કોર્પોરેટરોના વિદેશ પ્રવાસને લઇ રાજકારણ ગરમાઇ રહ્યું છે.