નવી દિલ્હી : રાફેલ ડિલ બાદ અનિલ અંબાણીની કંપનીના ૧૧૨૫ કરોડ રૂપિયાના ટેક્સ માફ કરવામાં આવ્યા હતા તેવા અહેવાલ બાદ કોંગ્રેસે તરત જ ફ્રેન્ચ ન્યૂઝ પેપરના રિપોર્ટ બાદ વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે મોદીની કૃપાથી ફ્રાંસની સરકારે અનિલ અંબાણીની કંપનીના અબજો રૂપિયાના ટેક્સ માફ કરી દીધા હતા. મુખ્ય વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ વિતેલા વર્ષોમાં પણ રાફેલ ડિલમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસનો એવો આક્ષેપ પણ રહ્યો છે કે સરકાર એક રાફેલ જેટને ૧૬૭૦ કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. જ્યારે યુપીએના ગાળા દરમિયાન જ્યારે ડિલ ઉપર વાતચીત થઈ હતી ત્યારે એક વિમાનની કિંમત ૫૨૬ કરોડ રૂપિયા હતી. અલબત્ત યુપીએના શાસનકાળમાં રાફેલને લઈને માત્ર વાતચીત થઈ હતી. કોઈ ડિલ થઈ ન હતી તેવો ખુલાસો પહેલાથી જ કરવામાં આવી ચુક્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના આ પ્રકારના આક્ષેપો પણ આધાર વગરના રહ્યા છે.
સરકારનું કહેવું છે કે આ ડિલ કોઈ કંપનીના બદલે બંને દેશોની સરકાર વચ્ચે થઈ હતી. જેથી ભ્ર્ષ્ટાચારને લઈને તેમાં કોઈ જગ્યા ન હતી. રિલાયન્સ ડિફેન્સને ઓફસેટ પાર્ટનર બનાવવાના પ્રશ્ન પર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ નિર્ણય રાફેલ વિમાન બનાવનાર ડસો કંપનીનો હતો. તે કોઈને પણ પોતાની ઈચ્છાથી ઓફસેટ પાર્ટનર બનાવવાના અધિકારો ધરાવતી હતી. તેમાં સરકારની કોઈપણ પ્રકારની ભૂમિકા ન હતી.