પાલનપુર: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે અંબાજી ખાતે તા.૧૯ થી ૨૫ સપ્ટેનમ્બર સુધી યોજાયેલ ભાદરવી પુનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. મેળા પ્રસંગે લાખો માઇભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. મંદિર સુત્રોના જણાવ્યા પ્રમાણે ૨૬ લાખથી વધુ યાત્રાળુઓએ માતાજીના દર્શન કર્યા છે. ૨૨ લાખથી વધુ પ્રસાદના પેકેટનુ વિતરણ થયુ છે. ૩ લાખથી વધુ માઇભક્તોએ ભોજનપ્રસાદનો લાભ લીધો છે. ૬૭૭૩ જેટલી ધજાઓ ચડાવવામાં આવી છે. ૧૬૦૦ જેટલી એસ.ટી બસો દ્વારા ૧૧૦૦૦ થી વધુ ટ્રિપો કરીને ૬ લાખ યાત્રિકોને પરિવહનની સૂવિધા પુરી પાડી છે.
પુનમના દિવસે તા.૨૫ સપ્ટેમ્બરના રોજ મેળાના સમાપન પ્રસંગે અંબાજી ખાતે કેન્દ્રિય ખાણ ખનીજ અને કોલસા રાજ્યમંત્રી હરિભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી અને મહાનુભાવોના હસ્તે સેવાકેમ્પોના આયોજકો,સંચાલકોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. પ્રાસંગિક પ્રવચન કરતા કેન્દ્રિય મંત્રી હરિભાઇ ચૌધરીએ જણાવ્યું કે, અંબાજી તિર્થસ્થાન કરોડો લોકોની ભક્તિ અને આસ્થાનુ પવિત્ર કેન્દ્રસ્થાન છે. તેમણે કહ્યું કે, લોકોને માતાજી ઉપર અપાર ભક્તિભાવ અને શ્રધ્ધા હોવાથી લોકો દુરદુરથી ચાલતા અંબાજી આવે છે. તેમણે વિવિધ સેવાકેમ્પો દ્વારા યાત્રિકો માટે કરવામાં સૂવિધાઓની પ્રશંસા કરી હતી. સેવાકેન્દ્રોના આયોજકો,સંચાલકો અને સ્વંયસેવકોની સેવાને બીરદાવી હતી. કેન્દ્રિય મંત્રીશ્રી જણાવ્યું કે, હુ માતાજીને પ્રાર્થના કરૂ છુ કે, અંબાજી દર્શનાર્થે અવતા અને સેવાપ્રવૃતિ કરતા સૈનુ કલ્યાણ થાય. તેમણે કહ્યું કે, સમગ્ર દેશના લોકોની સુખ-શાંતી અને સમૃધ્ધિ વધે તથા ભારત વૈશ્વિક કક્ષાએ શક્તિશાળી રાષ્ટ્ર બને તે માટે હુ નતમસ્તકે માતાજીને પ્રાર્થના કરૂ છુ.
કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રષ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેએ જણાવ્યું કે, યાત્રિકોએ શિસ્ત જાળવી મેળાની વ્યવસ્થા જાળવવામાં બહુ સહકાર આપ્યો છે તે માટે હુ આભાર વ્યક્ત કરૂ છુ. તેમણે કહ્યું કે, સૌના સહકારથી પ્લષ્ટિકમુક્ત થીમ ઉપર મેળો સફળતાપૂર્વક યોજવામાં આવ્યો છે. પદયાત્રી,સંઘો અને વહિવટીતંત્ર વચ્ચે સારૂ સંકલન રહેવાથી જરૂરી વ્યવસ્થાઓ સારી રીતે જાળવી શકાઇ છે.. કલેક્ટરશ્રીએ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રષ્ટ અને જીલ્લા વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓની કામગીરીની સરાહના કરી હતી. પદયાત્રિ સેવાસંઘોના પ્રમુખ નવનિતભાઇએ સેવાકેમ્પોને બિરદાવતા જણાવ્યું કે, સેવાકેમ્પોને લીધે પદયાત્રિઓને ઘણી સુવિધાઓ મળે છે. તેમણે કલેક્ટરના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રારંભમાં અંબાજી દેવસ્થાન ટ્રષ્ટના નાયબ કલેક્ટર અને વહિવટદાર એસ.જે.ચાવડાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા પદયાત્રિ મેળાઓમાં સ્થાન ભરાવનાર અંબાજી ભાદરવી મહામેળામાં લાખો યાત્રિકો દર્શનાર્થે આવે છે. જેમની સૂવિધા અને વ્યવસ્થા જાળવવા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રષ્ટના અધ્યક્ષની સુચના અને માર્ગદર્શનથી વહિવટીતંત્રનો નોંધપાત્ર સહયોગ મળે છે. વહિવટદારએ સેવાકેમ્પોના યોગદાનને બિરદવ્યુ હતુ. આ પ્રસંગે વહિવટીતંત્રના અધિકારીઓનુ કેન્દ્રિયમંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટભાઇ અધ્વર્યુ, યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડિરેક્ટર ગણપતભાઇ જોષી,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા,પ્રાયોજના વહિવટદાર ઝાલા, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિક કલેક્ટર બી.ડી.વાઘેલા અગ્રણી બકુલેશભાઇ શુકલ સહિત સેવાકેમ્પોના આયોજકો, સંચાલકો, સ્વંયસેવકો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.