પાલનપુર: પુરાણ ઉપર આધારિત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિસક નામના યજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યું હતુ પરંતુ પોતાના જમાઈ શંકર ભગવાનને બોલાવ્યા ન હતા. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં દેવી સતિ પિતાના ઘેર પહોંચી ગયા. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જાતા અને પિતા મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતિ યજ્ઞમાં કુંડ પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો. ભગવાન શિવજીએ દેવીસતીના નિશ્ચેતન દેહ જાઇને તાંડવ આદર્યું અને દેવી સતિના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યા, ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસનાશ થઇ જસે તે ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડીને દેવી સતિના શરીરના ટુકડા કરાવી પૃથ્વી પર વેરાળી દીધા.
સતીના શરારના ભાગ તથા આભૂષણો જે જે સ્થળોએ પડ્યા તે સ્થળોની શક્તિપીઠ તરીકે માઇભક્તો પૂજા કરે છે. આ પૈકીનું એક શક્તિપીઠ આરાસુરી મા અંબેનું અંબાજી ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો અને અર્બુદાચલ (આબુ) પર્વત પર અદ્ધર (હોઠ)નો ભાગ પડ્યા હોવાનું મનાય છે. આરાસુરમાં અંબિકા દેવી અર્બુદાચલમાં અદ્ધર દેવી નામે માતાજી બિરાજે છે.
દેવી ભાગવત અનુસાર અગ્નિદેવની કૃપાથી મહિષાર નામનો રાક્ષક નર જાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હોઈ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. આ સમયે તેજ પ્રગટ થયું અને મા અંબા પ્રગટ થયા. આ દાનવનો સંહાર માતાજીના હાથે થતાં તેઓ મહિષાસુર મર્દીની કહેવાયા હતા. વિશ્વના સૌથી પ્રાચીન અરવલ્લી ડુંગરાઓમાં આવેલું જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હજારો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. દેશવિદેશમાં આવેલા ૫૧ શક્તિપીઠોમાં મા અંબેનું તીર્થસ્થાન દેશના શ્રેષ્ઠ યાત્રાધામો પૈકી એક તરીકે છે. માતાજીના દર્શન માટે દેશવિદેશમાંથી માઇ ભક્તો અંબાજી પહોંચે છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સૂચનાથી અંબાજી ખાતે ગબ્બરમાં ૫૧ શક્તિપીઠના ભવ્ય મંદિરોનું નિર્માણ થતાં માઈભક્તો હવે અંબાજી પહોંચીને તમામ શક્તિપીઠોના દર્શનનો લાભ લઇ શકે છે. આની અનેક વિશેષતાઓ રહેલી છે.