સ્ટેચ્યુ ઓફ યુનીટી પાસે દુકાનો તૈયાર તેમ છતાં સ્થાનિકો રસ્તા પર પથારો પાથરવા મજબૂર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલ ચોમાસાનો માહોલ હોઈ આ ચાર મહિના પ્રવાસીઓ મોટી સંખ્યામાં કેવડિયા એકતા નગરમાં ફરવા આવે છે. ત્યારે કેવડિયા,વાગડીયા, નવાગામ, લીમડી બારફરિયા, ગોરા, સહિતના અન્ય ગામોના સ્થાનિક લોકો જે લારી ગલ્લા કરતા હતા. ટિકિટ કાઉન્ટર સામે ઉભા રહી ધંધો કરતા હતા સાથે જમીનો જેમની ગઈ છે, જે લોકો ઘર ખાલી કરીને ગયા છે આવા અનેક નિયમો અને શરતોને આધીન સ્થાનિકોને આ દુકાનો ફાળવવાની હોય આ દુકાનો બનીને તૈયાર છે. ત્યારે કોની રાહ જોવામાં આવે છે સમજાતું નથી, આવી દુકાનો થકી રોજગારીનો પ્રધાનમંત્રીની પરિકલ્પના હોઈ તેમના હાથે ઉદઘાટન કરાવવું જરૂરી છે ખરું? આ ચોમાસામાં આ સ્થાનિકોને જેમને મળવા પાત્ર છે. તેમને દુકાનો ફાળવી દે તો તેઓ ચોમાસામાં ધંધો કરતા થઇ જાય અને આ માર્કેટ ભરાતું થઇ જાય એટલે ધમધમતું માર્કેટનું ઉદ્‌ઘાટન કરી શકાય. જેથી હાલ સ્થાનિકોને આ દુકાનો ખુબ જરૂરી હોય તંત્ર વહેલી તકે ફાળવણી કરી દે તે જરૂરી બન્યું છે.

નર્મદા જિલ્લાના કેવડિયા એકતા નગરમાં ૨૦ જેટલા પ્રોજેક્ટો આવેલા છે. આ તમામ પ્રોજેક્ટો પ્રવાસીઓનું આકર્ષણ વધારી રહ્યા છે. આ વિસ્તારમાં અત્યાર સુધી ૮૦ લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યાં છે. ત્યારે સ્થાનિકોને રોજગારી માટે સરકાર દ્વારા લારી ગલ્લા લઇ ઉભા રહે તેના કરતા ત્રણ માર્કેટ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા. જેમાં ૪૦૦ જેટલી દુકાનો બનાવવા માં આવી છે. એસઓયુ સત્તા મંડળ દ્વારા એ-ફ્રેમ પાસે ૧૫ જેટલી દુકાનો , જંગલ સફારી સામે ૨૦૦ જેટલી દુકાનો અને કેવડિયા ગામ પાસે પણ ૧૫૦ જેટલી દુકાનો બનાવી છે. આમ અંદાજિત ૪૦૦ થી વધુ દુકાનો બનાવી તૈયાર છે. પરંતુ સત્તા મંડળ આ દુકાનો સ્થાનિકોને સોંપતા નથી લાભાર્થીઓના લિસ્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગરીબ આદિવાસી સ્થાનિકો પોતાના ઘરના ચૂલા માટે રોડ પર પથારો પાથરી ધંધો કરી રહ્યા છે. તો જો આ દુકાનો તેમને ફાળવી દેવામાં આવે તો તેઓ ચોમાસામાં વરસાદ વચ્ચે ધંધો કરતા થઇ જાય અને માર્કેટ ભરાયા બાદ જયારે કોઈ નેતા આવે ત્યારે ઉદઘાટન કરાવી શકાય.

Share This Article