હું કોંગ્રેસ સાથે જાડાયેલો છું અને રહીશઃ અલ્પેશ ઠાકોર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: કોંગ્રેસના યુવા નેતા અને રાષ્ટ્રીય સચિવ અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે વહેતી થયેલી અટકળો અને અફવાઓ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે સંયુકત પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાનો છે તે વાત ખોટી અને વાહિયાત છે.  હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ વહેતી થયેલી અટકળો અફવા હાલ તો અફવારૂપ સાબિત થઇ હતી.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પાર્ટીનાં તમામ કાર્યક્રમમાં હું હાજરી આપું છું. ભાજપ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમે સરકારની નિષ્ફળ નીતિઓને ઉજાગર કરવા આંદોલન કરીએ છીએ. સરકારની નિષ્ફળતાઓ જાહેર કરતા ખોટાં મેસેજ વાયરલ કરી રહ્યાં છે. હું કોંગ્રેસમાં જ રહીશ. મને કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરની જવાબદારી આપી છે. મને લાગ્યું કે આ મુદ્દે મારે કંઇ બોલવું જોઇએ. અમે વિધાનસભામાં પણ બુલંદ અવાજે બોલ્યાં છીએ. હવે આવનારા સમયમાં બેરોજગારો અને સામાન્ય સમાજનાં સામાન્ય માણસો માટે જે આંદોલનો કરવાનાં છીએ, લડાઇ લડવાનાં છીએ તે અમે સંયુક્તપણે લડવાનાં છીએ પરંતુ આવી જે કંઇ વાતો ચાલે છે તે બિલકુલ પાયાવિહોણી છે.

હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છું, ધારાસભ્ય છું અને રહેવાનો છું. જેથી કોઇએ પણ આવી વાતોમાં ભરમાવવું નહીં. ખેડૂતો, બેરોજગારો, પછાતો તેમજ ગરીબો જેવાં તમામ લોકોની હાલત હાલમાં દયનીય છે. સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ છે. જો તમે બેરોજગારોની વાત કરો તો ગુજરાતમાં દિવસે ને દિવસે બેરોજગારો પણ સતત વધી રહ્યાં છે.

ખેડૂતોનાં જો દેવામાફીની વાત કરીએ તો ખેડૂતો પર દેવું દિવસે ને દિવસે વધી રહ્યું છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે. જો ગામડાંની ગરીબ પ્રજા દુઃખી હોય તો તેનાં માટે અમે આંદોલન કરીએ છીએ. ભાજપ દ્વારા બદનક્ષી થાય તેવાં પ્રયાસ થઇ રહ્યાં છે. હું લોકોનો જનાદેશ લઇને કોંગ્રેસમાં જોડાયો છું. હું ભાજપ સામે લડતો આવ્યો છું અને લડતો રહીશ. મને કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરની જવાબદારી આપવામાં આવી છે.

Share This Article