અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ હજુ સુધી એકપણ પક્ષમાં જોડાયા નથી. જો કે, છેલ્લા બે ત્રણ દિવસથી તેઓ ગમે ત્યારે હવે ભાજપમાં જોડાઇ જાય તેવુ વાતાવરણ અને ગતિવિધિ તેજ બન્યા છે ત્યારે આ જ મુદ્દાને લઇને આજે અલ્પેશ ઠાકોરના ઘરે ઠાકોર સમાજની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કોર કમિટીએ બન્નેને ભાજપમાં જોડાવા માટે સહમતિ આપી હતી. જો કે, સૂચક વાત એ હતી કે, કોર કમિટીની બેઠકમાં ખુદ અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યો હતો. આ બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હવે અમે ભાજપમાં જોડાઈશુ.
આ અંગે ભાજપના નેતાઓ અને અલ્પેશ ઠાકોર સાથે ચર્ચા કરવામાં આવશે. આ અંગે ઓબીસી એકતામંચને પૂછીને નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠન ઈચ્છે છે કે, અમે ભાજપમાં જોડાઈએ. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર પણ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધુ છે કે, કોર કમિટી જે નકકી કરશે તે નિર્ણય તેમને શિરોમાન્ય રહેશે અને તે પ્રમાણે જ આગળ વધીશું. અલ્પેશે કોંગ્રેસ પર તેમના સમાજના કામો નહી કરવાના અને તેમને પક્ષમાં ભારોભાર અન્યાય કરાયો હોવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમણે પોતાના સમાજના કામો કરવા હશે તો સત્તામાં રહીને જ થઇ શકશે તે વાત પણ સ્પષ્ટ છે.