અમદાવાદ : ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતાં અમદાવાદ શહેરની ૬પ લાખ વસ્તીની સુખાકારી સાથે સીધી રીતે સંકળાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ તાજેતરમાં તા.ર૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ પણ ગતિશીલ થયો નથી. કેમ કે જયાં સુધી મતગણતરી તા.૨૩મી મેએ પૂર્ણ ના થાય ત્યાં સુધી ચૂંટણી આચારસંહિતાની અમલવારી પૂરેપૂરી રીતે ચાલુ હોઇ તંત્ર કે શાસકો સામાન્ય રૂટિન કામો સિવાયનાં અન્ય કામોનો વિચાર સુદ્ધાં કરી શકતા નથી.
જોકે હવે તંત્ર દ્વારા આચારસંહિતામાં કંઇક અંશે રાહત આપવા માટે રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત ચૂંટણી પૂરી થઇ ગઇ હોવાછતાં આચારસંહિતા લાગુ હોવાથી વહીવટીતંત્ર અટવાયું છે, તો શાસક પક્ષ પણ મૂંઝવણ અનુભવી રહ્યું છે. હવે આ મામલે આગામી દિવસોમાં રાજય સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે મંત્રણા બાદ નિર્ણય લેવાય તેવી શકયતા છે. દેશના ગોવા અથવા તો ઉત્તર પૂર્વના રાજ્ય કરતાં પણ જંબો વાર્ષિક બજેટ ધરાવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાવાળાઓ સ્ટેન્ડિંગ કમિટી જેવી કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી કમિટીમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા ઝીરો અવર લેતા નથી. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અગાઉ ઝીરો અવરમાં લોકોની સમસ્યા અંગે વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને તેનો નિકાલ લાવવા પ્રયાસ કરતા હતા.
ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઝીરો અવરમાં થયેલી ચર્ચાથી પત્રકારોને માહિતગાર કરતા હતા, પરંતુ હવે સ્ટેન્ડિંગ કમિટીમાં રૂટિન કામના એજન્ડા પર નિર્ણય લેવાયા બાદ શાસકો મીડિયા આગળ રૂબરૂ પણ થતા નથી. તાજેતરમાં સંપન્ન થયેલ મ્યુનિસિપલ બોર્ડમાં મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો, પીવાનાં પાણીનાં ધાંધિયાં, ફાયર સેફટીના પ્રશ્નો વગેરે અનેક સીધી રીતે નાગરિકોને સ્પર્શે તેવા ધારદાર મુદ્દા હોવા છતાં ઝીરો અવર લેવાયો ન હતો. મહિનામાં એક વાર મળતાં મ્યુનિસિપલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ઝીરો અવરના અભાવે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા ન હતા. જોકે આ બાબત વિવાદાસ્પદ બની છે. જેને કારણે રાજ્યમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઇ ગઇ હોઇ ચૂંટણી આચારસંહિતામાં કંઇક અંશે છૂટછાટ આપવા બાબતે વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત થઇ ચૂકી હોઇ હવે આ મામલે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે મંત્રણા બાદ લેવાનારા નિર્ણય પર સૌની મીટ મંડાઇ છે.
બીજી તરફ ગત વર્ષે તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ધામધૂમથી સાબરમતી રિવરફ્રન્ટ સમર ફેસ્ટિવલ યોજાયો હતો. ગત તા.૧ મેથી યોજાયેલા આ ફેસ્ટિવલ અંતર્ગત સુપ્રસિદ્ધ ફિલ્મ કલાકાર આમિરખાનનું હિટ પિકચર દંગલ પણ ઇવેન્ટ સેન્ટર ખાતે દર્શાવાયું હતું. જોકે આ વર્ષે ફેસ્ટિવલને ચૂંટણી આચારસંહિતાને કારણે હાલ પૂરતો મોકૂફ રખાયો હોઇ તા.ર૩મેની મત ગણતરીના દિવસે આચારસંહિતા ઊઠી ગયા બાદ તેનું આયોજન કરાય તેવી ચર્ચા છે.