ગુજરાત : ભારતની સૌથી મોટી એકિકૃત ટેલિકોમ્યુનિકેશન સેવા પૂરી પાડનાર ભારતી એરટેલ (એરટેલ)એ આજે વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા તેના બધા જ ગ્રાહકો માટે મફત વોઈસ કોલિંગ અને ડેટા લાભની યોજનાની જાહેરાત કરી હતી.
વડોદરામાં મૂશળધાર વરસાદ અને પૂર જેવી સ્થિતિના કારણે એરટેલે શહેરના વહીવટીતંત્રના રાહત પ્રયાસોમાં સહયોગ કરવાના ભાગરૂપે તેના ગ્રાહકોને વિશેષ લાભ આપ્યા છે. ગ્રાહકો રિચાર્જ અથવા બિલ પેમેન્ટની ચિંતા કર્યા વિના તેમના આપ્તજનોના સંપર્ક રહી શકે તે હેતુથી એરટેલે આ વિસ્તારમાં તેના બધા જ મોબાઈલ ગ્રાહકોને મફત ટોક ટાઈમ ક્રેડિટ આપી છે અને તેમના ખાતામાં 100 એમબીનો ડેટા લાભ પણ પૂરો પાડ્યો છે તેમજ તેમના સીમની વેલિડિટી લંબાવી છે. પોસ્ટપેઈડ ગ્રાહકો માટે બિલ ચૂકવણીની તારીખ પણ લંબાવવામાં આવી છે.
વધારામાં એરટેલની નેટવર્ક ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેટવર્ક કનેક્ટિવિટી સામાન્ય રહે તેની ખાતરી માટે સતત કામ કરી રહી છે.
ભારતી એરટેલના સીઓઓ નવનીત શર્માએ જણાવ્યું હતું કે, ગ્રાહકો પ્રત્યે લગાવ ધરાવતી બ્રાન્ડ તરીકે અમે આ કુદરતી આપત્તિના સમયમાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્રના પ્રયાસોમાં યોગદાન આપવા અને સહાય કરવા માગીએ છીએ. અમારા ગ્રાહકો સરળતાથી સંપર્કમાં રહી શકે અને આજના સમયમાં મોબાઈલ ફોન લાખો લોકો માટે મહત્વની જીવાદોરી બની છે ત્યારે આ પહેલ આ દિશામાં લેવાયેલું એક પગલું છે.
કંપની દ્વારા જાહેર કરાયેલા લાભ મોબાઈલ યુઝરના ખાતામાં આપમેળે જમા થઈ જશે અને ગ્રાહકોને એસએમએસ નોટિફિકેશન મારફત અપડેટ કરાશે, જેથી તેઓ વધારાના લાભ મેળવી શકે. ગ્રાહકો એરટેલથી એરટેલ કોલ કરવા માટે મફત ટોકટાઈમ ક્રેડિટનો પણ લાભ માણી શકે છે.