અમદાવાદ : ગુજરાતમાં ઇમરજન્સી લેન્ડીંગ માટે એરસ્ટ્રીપની સુવિધા દ્વારકા પાસે નિર્માણ શરૂ કરાયું છે. ગુજરાતમાં સૌપ્રથમ એરસ્ટ્રીપ દ્વારકા ખાતે બનાવવામાં આવશે એ મતલબની મહત્વની જાહેરાત આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇમરજન્સી લેન્ડીંગ અને આપત્તિ સમય માટે એર સ્ટ્રીપ બનાવવામાં આવશે. ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર જવાનપર-દત્રાણા ગામ વચ્ચે પાંચ કિમીની ઇમરજન્સી લેન્ડીંગ એરસ્ટ્રીપ બનાવાઇ રહી હોવાનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે આ મુદ્દે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારે દેશના વિવિધ નેશનલ હાઇવે અને રાજ્યના માર્ગો પર ઇમરજન્સી લેન્ડીંગની સુવિધા ઊભી કરવાની કાર્યવાહી આરંભી છે, તેમાં ગુજરાતમાં દ્વારકાને પસંદ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર દ્વારકા જિલ્લામાં જવાનપર-દત્રાણા ગામ વચ્ચે ૫ કિ.મી. લંબાઇની ઇમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૮૩.૬૬ કરોડ થશે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ ઇમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનશે. આ સાથે દેશમાં જે ૧૧ જગ્યા પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જે ઇમરજન્સી લેન્ડીંગ સ્ટ્રીપ બનાવવાની છે તેમાં ગુજરાત, રાજસ્થાન, બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, જમ્મુ કાશ્મીર, ઓડીશાનો સમાવેશ થાય છે. માલસામાન અને જીવન જરૂરી ચીજવસ્તુઓના પરિવહન તેમજ સૈન્ય સંચાલન માટે રોડ અને રેલ માર્ગો પર મુખ્ય આધાર છે. પરંતુ કુદરતી આફતો અને ઈમરજન્સીમાં રોડ અને રેલ વ્યવહાર ખોરવાઇ જાય છે, ત્યારે એક માત્ર હવાઇમાર્ગ આખરી વિકલ્પ બની શકે છે. પૂર, ભૂકંપ જેવા પ્રસંગે જ્યારે ઈમરજન્સીમાં સહાય પહોંચાડવી હોય ત્યારે હવાઇસેવા જ વિકલ્પ હોઇ છે. પરંતુ ઇમરજન્સી લેન્ડીંગની સુવિધાના અભાવે આ સેવાની અસરકારકતા ઘટી જાય છે. આ ઇમરજન્સી લેન્ડીંગ ડિઝાઇન તથા જરૂરી સુવિધાઓ માટે સ્ટાન્ડર્ડ ડિઝાઇન બનાવવામાં આવેલી છે. આ ડિઝાઇન અનુસાર તેમાં ચાર હવાઇયાન પા‹કગ સ્લોટ, એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, એર સ્ટ્રીપનાં બંને છેડે ફાટક બનાવાશે. આ ઉપરાંત એર સ્ટ્રીપની બંન્ને સાઇડ પર વીજ થાંભલા, મોબાઇલ ટાવર, વૃક્ષો વગેરે દૂર કરવામાં આવશે. ૫ થી ૬ કિ.મી. લંબાઇની આ એર સ્ટ્રીપમાં રોડ વચ્ચે ડિવાઇડર રહેશે નહીં. ૬૦ મીટર પહોળા આ રોડમાં બંને બાજુ મળીને ૩૩ મીટર જેટલો સિમેન્ટ કોંક્રિટ રોડ રહેશે.
ઇમરજન્સી લેન્ડીંગ માટે એર સ્ટ્રીપની વ્યવસ્થા વિકસાવવા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ઇÂન્ડયન એરફોર્સનું એક ઇન્ટર મિનિસ્ટ્રીઅલ કો-ઓર્ડિનેશન ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જે સ્થળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ઇÂન્ડયન એરફોર્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંયુક્ત ઇન્સ્પેક્શન ગોઠવી સ્થળ નક્કી કરવામાં આવેલા છે. પ્રારંભિકે તબક્કે દેશમાં જુદા-જુદા ૨૯ માર્ગોની પસંદગી કરી તેના પર ઇમરજન્સી લેન્ડીંગ સુવિધા નિર્માણ કરવા અંગે ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. ફિઝિબિલિટી સ્ટડીના આધારે ૧૩ માર્ગો પર ઇમરજન્સી લેન્ડીંગ સુવિધા નિર્માણ શક્ય જણાયું હતું અને તેના આધારે આ ૧૩ પૈકી ૨ માર્ગો જુદી-જુદી રાજ્ય સરકારો હસ્તકના છે, જ્યારે બાકીના ૧૧ સ્થળો નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તકના છે. તેથી તે મુજબ સમગ્ર આયોજન હાથ ધરાયું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, વડાપ્રધાન મોદીની દૂરંદેશીતાના કારણે દેશમાં એક લાખ કિ.મીના નેશનલ હાઇવે બનાવવાનું સપનું સાકાર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં ૩૫ હજાર કિ.મીના નેશનલ હાઇવે તૈયાર થઇ ગયા છે અને ૫૩ હજાર હાઇવેઝનું કામ અસરકારકતા સાથે ચાલી રહ્યું છે.