અમદાવાદનું ‘સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ’ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. બેઠક વ્યવસ્થાની દ્રષ્ટિએ અત્યારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ વિશ્વમાં સૌથી મોટું છે. મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 1,00,024 ક્રિકેટ રસિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.
મોટેરા સ્ટેડિયમમાં કૉંક્રિટના બીમ તૈયાર થઈ રહ્યા છે. આ વિરાટ બીમ પર બે માળની 18 મીટરમાં ફેલાયેલી બેઠક વ્યવસ્થા હશે, જેમાં 1.15 લાખ ક્રિકેટ ફેન્સ બેસીને મેચ નિહાળશે. 63 એકરમાં ફેલાયેલા સ્ટેડિયમમાં કૉંક્રિટના મોટા ચોસલા હવે એક પર એક ગોઠવાઈ રહ્યા છે. રેકર બીમ, રિંગ બીમ, કોલમ્સ અને લાકડાંના પાટિયા આ બધું ભેગું મળીને સ્ટેડિયમની વિશાળ બેઠક વ્યવસ્થા બનશે.
ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આ ક્રિકેટ સ્ટેડીયમના પ્રોજેક્ટનો ખર્ચો 644 કરોડ જેટલો હતો, જે વધીને હવે 700 કરોડ થયો છે. જો કે ગુજરાત ક્રિકેટ અસોસિએશનના સીનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નવી બેઠક વ્યવસ્થાને કારણે ખર્ચો વધી શકે છે. ગુજરાતની ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉંડ ભવિષ્યમાં અન્ય કેટલીક મોટી ઈવેન્ટ્સનું પણ સાક્ષી બનશે. કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ હશે અને 6 માળના સંપૂર્ણ માળખામાં 50 રૂમ બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશા તરફ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ હશે.
હાલમાં જયારે સ્ટેડિયમનું નિર્માણ ચાલી રહ્યું છે ત્યારે AMC અને ટ્રાફિક ડિપાર્ટમેંટ માટે ટ્રાફિક મેનેજમેંટ ચિંતાનો વિષય છે, કારણ કે સ્ટેડિયમનો એક્ઝિટ પોઈંટ એક સાંકડા રસ્તા તરફ છે. AMCના સીનિયર અધિકારીએ કહ્યું કે, “પહેલા જ્યારે મોટેરા સ્ટેડિયમમાં 54,000 લોકોને બેસાડવાની ક્ષમતા હતી ત્યારે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. હવે અમે નવા રોડ સ્ટ્રક્ચર વિશે વિચારી રહ્યા છીએ.” નવા સ્ટેડિયમમાં જવાના 3 મોટા રસ્તા હશે. જેને નવા સબ-વે સ્ટેશન સાથે જોડવામાં આવશે. 3500 કાર અને 12,000 ટુ વ્હીલર સમાવી શકાય તેટલી પાર્કિંગની જગ્યા હશે.