તાજેતરમાં જ એક્ટર સોનુ સૂદે ચાર હાથ અને ચાર પગ ધરાવતા બાળકીનુ ઓપરેશન કરાવવામા મદદ કરી હતી. ત્યારે હવે બોલિવુડનો બીજો એક્ટર મદદ માટે આગળ આવ્યો છે. એક્ટર વરુણ ધવનની દરિયાદિલી સામે આવી છે. તે એક પીડિત દીકરીની મદદે આવ્યો છે. એક દારૂ઼ડિયો તેની પત્ની અને દીકરીને ભૂ્ખ્યા-તરસ્યા રાખીને માર મારતો હતો, ત્યારે આ દીકરીએ ટ્વીટર પર મદદ માંગી હતી, અને વરુણ ધવને અમદાવાદ પોલીસને ટ્વીટ કરીને મદદ માંગી હતી. સાથે જ વરુણ ધવનની ટીમે પીડિત પરિવારની મદદે પોતાની ટીમ પણ પહોંચાડી હતી. અમદાવાદના હાથીજણ પાસે વિવેકાનંદનગર આવેલુ છે. આ નગરમાં રહેતો એક પરિવાર હાલ ચર્ચામાં આવ્યો છે. અહી એક દારૂડિયો દારૂના નશામાં પોતાની પત્ની અને દીકરીને માર મારતો હતો. આ પરિવારની હાલત દારૂને કારણે ખરાબ બની હતી. તેથી પીડિત દીકરીએ ટ્વીટર પર મદદ માટે ગુહાર લગાવી હતી.
દીકરીએ ૨૨ મેના રોજ એક ટ્વીટ કરી હતી. તેણે લખ્યુ હતુ કે, ‘મારા પિતા મારી અને મારી માતાને અનેક વખત માર મારે છે. તેઓ આવું રોજ કરે છે, અમને જમવા પણ દેતા નથી અને ગંદી ભાષામાં વાત કરે છે. એક વખત મારી માતાએ દારૂની બોટલ નાખી દેવાનો પ્રયાસ કર્યો તો તેને ચાર-પાંચ લાફા ઝીંકી દીધા હતા. મને અને મારી માતાને મારા પિતા બાંધીને રાખતા હતા.’ એક્ટર વરુણ ધવનના નજરે આ ટ્વીટ આવી હતી. જેથી તેણે આ પીડિત દીકરીની ટ્વીટને રાત્રે બે વાગ્યે રિપ્લાય કરીને અમદાવાદ પોલીસને મદદ માટે ટેગ કર્યા હતા. એટલુ જ નહિ, દીકરીની મદદ માટે વરુણ ધવને પોતાની ટીમને પણ મોકલી હતી. વરુણ ધવને આ મામલે ખૂદ પોલીસ કર્મચારીઓ સાથે વાત કરી હતી. સાથે જ કહ્યુ કે, આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યા સુધી તે મદદ કરશે.
વરુણની ટીમે દીકરીની મદદ કરીને તેને ખાવાનુ પણ મોકલ્યુ હતું. ભલે સમસ્યા સોલ્વ થઈ ગઈ હોય, પરંતુ વરૂણ ધવનની ટીમ રોજ એકવાર ફોન કરીને દીકરી અને તેના પરિવારના હાલચાલ પૂછી લે છે. તેણે કહ્યુ કે, આ કિસ્સામા અમે બને તેટલી મદદ કરીશું. અમદાવાદ પોલીસ પીડિત દીકરીની મદદે પહોંચી હતી. અમદાવાદ પોલીસે તેના પરિવારને બનતી મદદ કરી હતી. દારૂડિયા પિતા સામે કાર્યવાહી કરવામા આવી હતી. તેમને જેલની પાછળ ધકેલ્યા હતા. આમ, પરિવાર દારૂડિયા શખ્સના ત્રાસમાંથી છૂટ્યો હતો. આમ, બોલિવુડ એક્ટરે ગુજરાતની દીકરીની મોટી મદદ કરી હતી.