અમદાવાદ : રીક્ષા સ્ટેન્ડર, લાઇસન્સ બેઝને દુરાગ્રહ સહિતની પડતર માગણીઓને લઇને રિક્ષાચાલકોની એક દિવસની પ્રતીક હડતાળના એલાનને નહીંવત્ પ્રતિસાદ મળ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારમાં સવારથી જ રાબેતા મુજબ રિક્ષાની અવરજવર જોવા મળી હતી. જેને પગલે રીક્ષાચાલકોની હડતાળનો જોરદાર ફિયાસ્કો થઇ ગયો હતો. નાગરિકોને રીક્ષાચાલકની હડતાળથી બહુ હાલાકી નહી પડતાં તેઓએ રાહત અનુભવી હતી. શહેરમાં ૧.૪૦ લાખ રિક્ષા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર રપ,૦૦૦ રિક્ષા માટે સ્ટેન્ડ ફાળવાયા છે તેમજ પોલીસતંત્રની કથિત દાદાગીરી અને લાઇસન્સ બેઝનો દુરાગ્રહ જેવી બાબતોના વિરોધમાં આજે શહેરના સાત રિક્ષા એસોસીએશન મેદાનમાં ઊતર્યા છે. આના કારણે શહેરમાં રિક્ષાચાલકોનો સજ્જડ બંધ પળાશે અને હજારો પેસેન્જર્સ મુશ્કેલીમાં મુકાશે તેમ લાગતું હતું. જોકે બંધને ખાસ સફળતા મળી નથી.
જેને પગલે રીક્ષાચાલકોની હડતાળનો આજે જારદાર ફિયાસ્કો થઇ ગયો હતો. ચાંદખેડાથી સરખેજ સુધીના પશ્ચિમ અમદાવાદમાં પ૦ ટકા રિક્ષા રોડ પર દોડી રહી છે. કોટ વિસ્તારમાં પણ રિક્ષાના પૈડાં પૂરેપૂરા થંભી ગયાં નથી. જ્યારે પૂર્વ અમદાવાદમાં પણ સાત-સાત રિક્ષા એસોસીએશનનો ટેકો હોવા છતાં હડતાળને નહીંવત્ પ્રતિસાદ સાંપડ્યો છે. દરમિયાન ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઇવર એકશન કમિટીના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અમારી પડતર માગણીઓની ઉપેક્ષા જારી રાખશે તો આગામી દિવસોમાં અચાનક ચક્કાજામ જેવા જલદ કાર્યક્રમો અપાશે. જોકે હજુ સુધી હડતાળ દરમિયાન કયાંયથી કોઇ અનિચ્છનીય બનાવ અમને જાણવા મળ્યો નથી.
જો કે, રીક્ષાચાલકોની હડતાળનો જારદાર ફિયાસ્કો થતા રીક્ષા એસોસીએશન અને યુનિયનો વચ્ચેના મતભેદો અને ફાડિયા સપાટી પર આવી ગયા હતા. રીક્ષાચાલકોમાં જ સંપ નહી હોવાના કારણે આજની હડતાળનું સૂરસૂરિયુ બોલી ગયું હતું. કેટલાક જેન્યુઇન રીક્ષાચાલકોએ જણાવ્યું હતું કે, રીક્ષાચાલક એસો.ના આગેવાનો તેમના રાજકીય સ્વાર્થમાં રીક્ષા બંધ રખાવે છે અને અમારે તો સાંજ પડયે ઘર ચલાવવાનું હોય છે, એક દિવસ પાડીએ તો, ઘરમાં પરિવારજનોને અને બૈરા-છોકરાઓને ખવડાવે કોણ એ સૌથી મોટો સવાલ છે ત્યારે અમને આવી છાશવારે હડતાળ પાડવી ના પોષાય.