અમદાવાદ : શહેરમાં આજે પૂર્વ વિસ્તારમાં ખોખરા બ્રીજથી લઇ સીટીએમ સર્કલ સુધી અમયુકો તંત્ર અને પોલીસ તેમ જ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બહુ મોટી મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે દરમ્યાન ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિત ૩૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ ડ્રાઇવમાં જાડાયા હતા. અમ્યુકોની ટીમ દ્વારા આ સમગ્ર પટ્ટામાં મોટાપાયે ગેરકાયદે દબાણો અને બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા તો, બીજીબાજુ, ટ્રાફિક પોલીસ અને પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદે પા‹કગ અને ટ્રાફિક નિયમના ભઁગ કરતાં વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલાયો હતો. અમ્યુકો અને પોલીસની આજની મેગાડ્રાઇવને પગલે પૂર્વ વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ખાસ કરીને સ્થાનિક દુકાનદાર અને વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘણા સમયથી રસ્તા પર આડેધડ પાર્ક કરાતાં વાહનોને ડીટેઇન કરવાના તેમજ ટ્રાફિકના નિયમનનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસે મહાઝુંબેશ શરૂ કરી છે. આજે સવારે ડીસીપી ઝોન-પના આદેશથી ખોખરાબ્રિજથી સીટીએમ સર્કલ સુધી પોલીસ ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી, જેમાં ૩૦૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલતી પોલીસની આ ઝુંબેશના પગલે આજે વહેલી સવારે પણ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન રાખવામાં આવ્યું હતું. ઝોન પના ડીસીપી હીમકરસિંગના આગેવાનીમાં ચાર એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત ૩૦૦ કરતાં વધુ પોલીસ કર્મચારીએ ખોખરાબ્રિજથી સીટીએમ સર્કલ સુધી ટ્રાફિક ડ્રાઇવ કરી હતી. સવારે પોલીસે કરેલી ટ્રાફિક ડ્રાઇવમાં ગેરકાયદે પાર્કિગ કરાયેલા સંખ્યાબંધ વાહનોને ડીટેઇન કર્યા હતા ત્યારે હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકોને મેમા આપ્યા હતા. પુરઝડપે વાહન ચલાવતા લોકોને પણ પોલીસે દંડ કર્યો હતો. આ સિવાય કારમાં સીટ બેલ્ટ પહેર્યો ના હોય તેવા ચાલકોને પણ દંડ કરવામાં આવ્યો હતો.
કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ પણ પોલીસ ઉતારી દીધી હતી. ટ્રાફિક પોલીસની ડ્રાઇવની સાથે સાથે અમ્યુકો તંત્રની ટીમ દ્વારા ખોખરા બ્રીજથી લઇ સીટીએમ સર્કલ સુધીની સમગ્ર પટ્ટામાં બુલડોઝર ફેરવ્યું હતું અને મોટાપાયે ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કર્યા હતા. અમ્યુકોની ટીમ દ્વારા દબાણો દૂર કરી આ વિસ્તારના માર્ગો ખુલ્લા કરાયા હતા.