અમદાવાદ : અમદાવાદ રેલવે સ્ટેશનના ભારને ઘટાડી દેવા માટે જે રીતે સાબરમતી સ્ટેશનને વિકસિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તે જોતા હવે કેટલીક ટ્રેનોને અમદાવાદના બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી દોડાવવાની હિલચાલ ચાલી રહી છે. આવી જ રીતે અન્ય કેટલીક તૈયારી પણ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી છે. અમદાવાદથી હિમ્મતનગર વચ્ચે ટ્રેન બીજી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી શકે છે. આના માટે અમદાવાદ મંડળ દ્વારા તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ રેલમાર્ગ પર ટ્રાયલ રનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. હાલમાં બે લોકલ ટ્રેન દોડાવવા માટેની યોજના છે. રેલવે પ્રધાન તરફથી મંજુરી મળી ગયા બાદ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આ ટ્રેન અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી સપ્તાહમાં છ દિવસ સુધી ચાલનાર છે. આના માટે અસારવા રેલવે સ્ટેશન પર પણ તૈયારી કરવામા આવી ચુકી છે. અહીં બે પ્લેટફોર્મ બનાવી દેવામાં આવ્યા છે.
એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ઓવરબ્રીજ બનાવવાની પ્રક્રિયા પુર્ણ કરી લેવામાં આવી છે ટિકિટ રિઝર્વેશન વિન્ડો હોલમાં દીવાળોને ખાસ રીતે સજાવવામાં આવી ચુકી છે. દિવાળો પર મહાત્મા ગાંધી અને ગરબાના ચિત્ર બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત નવી ડિઝાઇનના વોર બુથ પણ બનાવી દેવામાં આવ્યા છે. પહેલા આ સ્ટેશનથી મીટરગેજની ટ્રેનો દોડતી હતી. જેથી પ્લેટફોર્મ નીચે હતુ. જો કે વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા બાદ હવે પ્લેટફોર્મ ઉંચુ કરવામાં આવ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ એક ટ્રેન હિમ્મતનગરથી સવારે છ વાગ્યા ચાલશે અને અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર આઠ વાગે પહોંચી જશે. ત્યારબાદ સવારે ૧૧ વાગે અમદાવાદ રેલવે સ્ટેશનથી એક ટ્રેન ચાલશે જે હિમ્મતનગર બપોરે એક વાગ્યા પહોંચી જશે.
બીજી ટ્રેન હિમ્મતનગરથી સાજે સાઢા ચાર વાગે ચાલશે અને અમદાવાદમાં આશરે સાઢા છ વાગ્યા સુધી પહોંચી જશે. આ ટ્રેન શરૂ કરવામાં આવ્યા બાદ નોકરી કરનાર લોકોને ખુબ મોટો ફાયદો થનાર છે. અમદાવાદ મંડળના જનસંપર્ક અધિકારીએઐ માહિતી આપતા કહ્યુ છે કે અમદાવાદથી હિમ્મતનગર વચ્ચે દોડતી ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચલાવવામાં આવનાર છે. જે બે કલાકમાં અમદાવાદ અસારવા સ્ટેશનથી હિમ્મતનગર પહોંચી જશે. આવી જ રીતે સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે જે રીતે અમદાવાદ રેલવે સ્ટેશનના ભારને ઘટાડી દેવા માટે સાબરમતી રેલવે સ્ટેશનને વિકસિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તે જાતા આગામી દિવસોમાં કેટલીક ટ્રેનોને હવે અમદાવાદના બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવનાર છે. આવી જ રીતે જો અસારવા રેલવે સ્ટેશનને પણ વિકસિત કરવામાં આવશે તો દિલ્હી અને ઉત્તર ભારત માટેની કેટલીક ટ્રેનો દોડાવવા માટેનો નવો માર્ગ ખુલી શકે છે. આના કારણે માત્ર ટ્રેનોની સંખ્યામાં જ વધારો થનાર નથી બલ્કે યાત્રીઓના સમયમાં પણ બચાવ થનાર છે. અસારવા યાર્ડમાં ખુબ જગ્યા રહેલી છે. અહીં જો ૨૪ કોચની પિટલાઇન લગાવવામાં આવે તો રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરભારતની ટ્રેનોને અસારવા ખાતેથી પણ દોડાવી શકાય છે. અમદાવાદ-ઉદયપુર રેલવે ખંડના માર્ગોને વ્યવસ્થિત કરવામાં આવ્યા બાદ સ્થિતી વધારે હળવી બની શકે છે.