અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદ સહિત રાજયભરમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેના કારણે શહેરમાં ફરી એકવાર ચોમાસાની જારદાર જમાવટ મળી હતી. શહેરમાં મોડી રાત બાદ અને સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહેવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં વધુ પાણી ભરાયેલા હોવાની ફરિયાદો સામે આવી હતી. તો, બાપુનગર ઇન્ડિયા કોલોની ખાતે તો વરસાદી પાણીમાં કેમીકલયુકત પાણી માર્ગો પર જોવા મળતાં સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળતો હતો. જો કે, અમ્યુકોના એક પણ અધિકારી આટલી ગંભીર ઘટના છતાં ત્યાં ફરકયા ન હતા. પાલડી અંજલિ ચાર રસ્તા નજીક મોટો ભુવો પડતાં તંત્ર દોડતુ થઇ ગયુ હતું.
આ સિવાય પણ શહેરમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની, રસ્તાઓ તૂટવાની અને વૃક્ષો ધરાશયી થવાની સંખ્યાબંધ ઘટનાઓ નોંધાઇ હતી. હવામાન વિભાગ દ્વારા તા.૯ ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છ, ત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના ઓઢવ, વટવા, નારોલ, નરોડા, બાપુનગર, નિકોલ, સરખેજ, ચાંદખેડા, સાબરમતી, ગોતા, પ્રહલાદનગર, સેટેલાઈટ, વેજલપુર, બોડકદેવ, એસજી હાઈવે, બોપલ, નારણપુરા, નવરંગપુરા, મેમનગર, સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેને પગલે શહેરના ઝાયડસ ચાર રસ્તા, સોલા ભાગવત, એસ.પી. રિંગ રોડ સહિત અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડ્યા બાદ વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સવારથી વિઝીબિલિટી ઓછી થઈ ગઈ હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં તા.૯ અને ૧૦ ઓગસ્ટના ૪૮ કલાક દરમિયાન અમદાવાદમાં ૧૦૦થી ૧૫૦ મીમી એટલે કે ૫થી ૮ ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા છે. આ ઉપરાંત કલાકના ૨૫થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે. જેને લઇ અમ્યુકો અને જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે.