અમદાવાદ: રાજ્યમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓના બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વપરાશ થકી પર્યાવરણ જાગૃત્તિ માટે વડોદરા અને સુરત ખાતે માટી મૂર્તિ મેળાનું આયોજન કરાયું છે, એમ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના નિયામક દ્વારા જણાવાયું છે. ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવવાના કલે આઈડોલ પ્રોજેક્ટ અંતર્ગત માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને વેગ મળે તથા પીઓપીની મૂર્તિના કારણે થતાં પર્યાવરણને નુકસાન અટકાવવા માટે માટીની મૂર્તિઓ બનાવતા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે મેળાનું આયોજન કરાયું છે. અમદાવાદ ખાતે ૭થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન અર્બન હાટ, વસ્ત્રાપુર, વકીલ સાહેબ બ્રિજની નીચે, આંબલી-બોપલ જંક્શન, બોપલ ઘાવડી ફાર્મ, નેશનલ હેલ્ડલુમ સામે, રાણીપ તેમજ કચ્છ કડવા પટેલ સનાતન સમાજ નરોડા, નેશનલ હેન્ડલુમની બાજુમાં, નરોડા રોડ, અમદાવાદ ખાતે મેળા યોજાશે.
આજ રીતે વડોદરા ખાતે ૮થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન પારસી અગિયારી મેદાન હોટલ સૂર્યા પેલેસ સામે, ડેરીડેન સર્કલ વડોદરા ખાતે તથા સુરત ખાતે ૮થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન હની પાર્કનું મેદાન, જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં, અડાજણ, સુરત ખાતે માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો નાગરિકોએ લાભ લેવા વધુમાં જણાવાયું છે.