અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોને રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં નવા નવા કેસ નોંધાઈ રહ્યા છે. ઓકટોબર મહિનાના ગાળામાં જ અનેક કેસો નોંધાઈ ચુક્યા છે. ઓકટોબર મહિનાના ૨૦ દિવસમાં ઝાડા-ઉલ્ટીના ૨૨૦, કમળાના ૧૯૬, ટાઈફોઈડના ૨૩૩ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાંરૂપે પાણીના મુખ્ય સોર્સ અને ઘરોમાંથી ચાલુ માસ દરમિયાન ૧૪૭૭૫ રેસીડેન્ટ ક્લોરિટન ટેસ્ટ કરવામાં આવ્યા છે તથા હાઈરીસ્ક વિસ્તારો અને કેસો નોંધાયેલા હોય તેવા વિસ્તારોમાંથી આ માસ દરમિયાન ૧૪૯૩ પાણીના સેમ્પલ બેક્ટોરોયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે.
ચાલુ માસમાં ૩૨૨૪૬૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ૧૯૩ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. આ ગાળા દરમિયાન ૨૩૮૧૨ કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મચ્છરજન્ય રોગોની વાત કરવામાં આવે તો ૨૦મી ઓકટોબર ૨૦૧૮ સુધીમાં ૯૪૧૦૦ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે.
બીજી બાજુ ૨૦મી ઓકટોબર ૨૦૧૮ સુધીમાં ૫૮૦૫ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. સાદા મેલેરિયાના કેસો પણ ૨૭૦ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ડેન્ગ્યુના આ ગાળા દરમિયાન ૨૦૦ કેસ સપાટી પર આવ્યા છે. રોગોને નિયંત્રણ તથા અટકાવવાના ભાગરૂપે નક્કી કરવામાં આવેલા વોર્ડ વિસ્તારમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરી હજુ જારી રહેશે. અલગ અલગ વિસ્તારમાંથી ૧૭૪૯ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે.