અમદાવાદ : ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમછતાં અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ના ભરાય અને જળબંબાકારની સ્થિતિ ના સર્જાય તે માટે અમ્યુકો તંત્ર દ્વારા ગટરલાઇન અને સ્ટોર્મ વોટર લાઇનની સફાઇ હેઠળ મેન હોલ અને કેચપીટની સફાઇની કામગીરીમાં જાણે વામણું પુરવાર થયું છે. અમદાવાદ શહેરમાં કુલ ૧.૬૦ લાખ મેનહોલમાંથી હજુ સુધી માત્ર ૩૪ હજાર જ મેનહોલની સફાઇ થઇ શકી છે, તંત્ર તેના તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી જોઇએ તે પ્રકારે આ કામ કરાવી શકયું નથી અને સમગ્ર કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. જેને પગલે શહેરમાં ગટરલાઇન અને સ્ટોર્મ વોટર લાઇનના સફાઇના અભાવે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની દહેશત પ્રવર્તી રહી છે તો, નાગરિકોમાં પણ અત્યારથી જ ચિંતા બની છે કે વરસાદી પાણીને લઇ કોઇ ગંભીર હાલાકી ના સર્જાય.
અમ્યુકો તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં વરસાદી પાણી ના ભરાય અને પ્રજાજનોને મુશ્કેલીનો ભોગ ના બનવુ પડે તે હેતુથી ગટરલાઇન અને સ્ટોર્મ વોટર લાઇનના સફાઇ હેઠળ મેનહોલ અને કેચપીટની સફાઇ હાથ ધરવામાં આવે છે. પ્રિ-મોન્સૂન એકશન પ્લાન અંતર્ગત હાથ ધરાતી આ સફાઈના પ્રથમ રાઉન્ડમાં ૩૪,૪૫૦ મેનહોલ અને ૨૯,૩૦૬ કેચપીટની સફાઇ કરાઇ હોવાનો તંત્રએ દાવો કર્યો છે. જો કે, વાસ્તવિકતા એ છે કે, તંત્ર ગમે તેટલા દાવા કરે પરંતુ દર વર્ષે ચોમાસાના પહેલા જ વરસાદમાં અમ્યુકોનો પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાઇ જતો હોય છે.
તેનું મુખ્ય કારણ એ હોય છે કે, ભારે વરસાદમાં ગટરલાઇન અને સ્ટોર્મ વોટર લાઇન ચોકઅપ થઇ જતી હોય છે અને તેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ જતી હોય છે અને ઘૂંટણસમા પાણી વિવિધ વિસ્તારોમાં ભરાતા હોય છે. જો કે, મેનહોલ અને કેચપીટના સફાઇ કામમાં ધીમી કામગીરી ચાલી રહી છે, એટલું જ નહી, સફાઇ કામ ખરેખર કેવું થાય છે અને સંપૂર્ણ સફાઇ થાય છે કે નહી તે બાબતે પણ અમ્યુકો તંત્ર કોઇ મોનીટરીંગ સીસ્ટમ રાખતી નથી, તેના કારણે બધુ રામભરોસે ચાલતુ હોય તેવી સ્થિતિ છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા એક વર્ષમાં નવા ૧૮૫૦ મેનહોલ બનાવાતાં કુલ મેનહોલની સંખ્યા ૧,૬૦,૩૬૦ થઇ છે, જયારે નવી ૨૧૨૭ કેચપીટ બનાવાતાં કુલ કેચપીટની સંખ્યા ૪૫,૦૧૨ થઇ છે. પરંતુ આ મેનહોલ અને કેચપીટની સંપૂર્ણ અને અસરકારક સફાઇ એ પણ ખરેખર તો અમ્યુકો તંત્ર માટે એક પડકાર છે, જેને સારી રીતે તંત્ર પહોંચી વળશે તો, આ વખતે ચોમાસામાં પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી દેખાશે નહી તો, પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાઇ જશે તો સ્પષ્ટ થઇ જશે કે, સમગ્ર સફાઇ કામગીરી કાગળ પર જ થઇ હતી.