શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારમાં નિયમિતપણે સઘન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને નાસ્તા ફરતા આરોપીઓને પકળવા માટે પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક એવા આરોપીને પકડવામાં સફળતા મળી છે જે ડબલ મર્ડરના ગુનામાં જેલમાંથી વચગાળા ના જમીન પર નીકળ્યા બાદ ફરાર હતો.
આ કેસની વિગત મુજબ સરદારનગર હાંસોલમાં સમરથનગરમાં રહેતા ભરત મણીલાલ લેઉઆ પર ડબલ મર્ડરનો ગુનો દાખલ થયો હતો. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરૂધ્ધ ૨૦૧૪માં ડબલ મર્ડરનો આ ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી ભરત લેઉઆ કોર્ટની કસ્ટડી હેઠળ સાબરમતી જેલમાં બંધ હતો.
જોકે છેલ્લા નવ વર્ષથી તે વચગાળાના જામીન પર છુટીને પરત નિર્ધારિત સમયે જેલમાં હાજર થયો ન હતો, આથી ફરાર આરોપીને શોધ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. બીજી તરફ ફરાર આરોપી ભરત લેઉઆ ૩ મેના રોજ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે હોવાની જાણ થતા ક્રાઈમ બ્રાંચે ત્યાં વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો અને બાદમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.