અમદાવાદ : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાતમાં સૌપ્રથમવાર તા.૨૩મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં વસ્ત્રાપુર ગાર્ડનના એમ્ફી થિયેટરમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ-એહસાસ-૩ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ, સંજીવની ચેરિટેબલ એજયુકેશન ટ્રસ્ટ અને મુંબઇના જાણીતા કોરિયોગ્રાફર અને મૂળ ગુજરાતી રાજ સિનેજિયા દ્વારા આયોજિત આ પીપલ્સ ચોઇસ એવોર્ડમાં બેસ્ટ એકટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડાયરેકટર, બેસ્ટ સપોર્ટીંગ એકટર, બેસ્ટ સીંગર, બેસ્ટ કોમેડિયન સહિતની ૧૪ જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ એવોર્ડ સમારંભમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા કલાકારો, સંગીતકારો સહિતના મહાનુભાવો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે એમ અત્રે જાણીતા કોરિયોગ્રાફર રાજ સિનેજિયા અને એસબીપીટીના ટ્રસ્ટી જાગૃતિબહેન ત્રિવેદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાઇ રહેલા આ પીપલ્સ ચોઇસ એવોર્ડની વિશેષતા એ છે કે, તેમાં જજીસની ભૂમિકા કોઇ વ્યકિત કે હસ્તીએ નહી પરંતુ આમજનતાએ અદા કરી છે. પીપલ્સ ચોઇસ-એહસાસ-૩ એવોર્ડ અંગેની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી કોઇપણ વ્યકિત વોટીંગ કરી શકતી હતી અને તેના મનપસંદ કલાકાર, ગાયક, કોમેડિયન સહિતની કેટેગરીમાં પોતાનો કિંમતી વોટ આપી શકતી હતી.
ગત તા.૨૦ નવેમ્બરથી શરૂ કરાયેલું આ વોટીંગ તા.૨૨મી ડિસેમ્બરે બંધ થશે અને બીજા દિવસે તા.૨૩મી ડિસેમ્બરે વસ્ત્રાપુર ગાર્ડનના એમ્ફી થિયેટરમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ-એહસાસ-૩ એવોર્ડમાં વિજેતા કલાકારોના નામો જાહેર કરવામાં આવશે અને તેઓને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ પીપલ્સ ચોઇસ એવોર્ડ એનાયત કરવામાં આવશે.જાણીતા કોરિયોગ્રાફર રાજ સિનેજિયા અને એસબીપીટીના ટ્રસ્ટી જાગૃતિબહેન ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ એવોર્ડ સમારંભ એટલા મહત્વનો અને ખાસ છે કારણ કે, તેમાં એવોર્ડ આપનાર બીજુ કોઇ નહી પરંતુ લોકો જ છે એટલે કે, લોકોએ તેમની રીતે વોટીંગ કરીને તેમના મનપસંદ કલાકારોને પસંદ કર્યા છે. આ એવોર્ડ સમારંભમાં વિવિધ ૧૪ કેટેગરીમાં મનીષ સૈની, સિધ્ધાર્થ રાંદેરિયા, આરતી પટેલ, મોનલ ગજ્જર, દિશા મહેતા, ભાવિની જાની સહિતના અનેક નામી-બેનામી અને જાણીતા કલાકારોના નામ નોમીનેટ થયા છે.