અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી સ્છાટી એન્જીનીયર મનોજ સોંલકી રૂ.એક લાખની લાંચ લેતાં રંગેહાથ એસીબીના છટકામાં ઝડપાઇ જતાં અમ્યુકો વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે. આવાસ યોજનાના મકાન ફાળવણી બાબતે ડેપ્યુટી સીટી એન્જીનીયર મનોજ સોલંકીએ રૂ.૫ લાખની લાંચ માંગી હતી. જે પૈકી રૂ.૧ લાખ લેવા જતા આજે એસીબીએ છટકું ગોઠવી ડેપ્યુટી સીટી એન્જીનીયરને ઝડપી પાડ્યા હતા. એસીબીના ડીવાયએસપી ડી.પી.ચુડાસમાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીટી એન્જીનીયર મનોજ સોલંકી રૂ.૧ લાખની લાંચ લેતા ઝડપાયા છે. હાલમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સીટી એન્જીનીયર મનોજ સોલંકી કોર્પોરેશનના ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. ફરિયાદીએ સરકારની ઈકોનોમીકલી વિકર સેકસન(ઈડબલ્યુએસ) હેઠળ ફાળવવામા આવતા આવાસ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ સાથે હાઉસીંગ વિભાગમાં અરજી કરી હતી.
આ અરજી કર્યા બાદ આવાસની ફાળવણી ના થતાં ફરીયાદી હાઉસિંગ બોર્ડની ઓફીસમા તપાસ કરવા ગયા ત્યારે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી સીટી એન્જીનીયર મનોજ સોલંકી ફરીયાદીને હાઉસીંગ બોર્ડની ઓફીસે મળ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની ઓળખાણથી તેઓ આ કામ કરાવી શકે છે તેમ કહી રૂ.૫ લાખની લાંચ માંગી હતી. જે પેટે ફરીયાદીએ રૂ.અઢી લાખ આપી દીધા હતા, પરંતુ કામ થયું ના હોવાથી ફરીયાદીના ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી તેમણે ફરિયાદીનો સંપર્ક કરી રૂ.૮ લાખની લાંચની માંગ કરી હતી. આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ એસીબીએ ઉસ્માનપુરામાં આવેલી કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઓફિસે છટકું ગોઠવ્યું હતું. જેમાં ડેપ્યુટી સીટી એન્જીનીયર મનોજ સોલંકી માંગેલી લાંચ પૈકી રૂ.૧ લાખ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.