અમદાવાદઃ ખેડૂતોની દેવા માફીના મામલામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના લીડર હાર્દિક પટેલ અને કોંગ્રેસે જોરદાર લડત શરૂ કરી દીધી છે, ત્યારે ખેડૂત લોન માફીનો મુદ્દો ફરી એકવાર સપાટી ઉપર આવી ગયો છે. ખેડૂત લોન માફીને લઈને સરકાર ખૂબ જ સાવધાન થયેલી છે.
મોટાભાગના જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતને ખેડૂત લોન માફી હાલ પોષાય તેમ નથી. રાજ્ય સરકારના ફાઈનાન્સને આની સીધી અસર પ્રતિકુળ રીતે થઈ શકે છે. સ્ટેટ લેવલની બેન્કર્સ કમિટી પાસેથી મળેલા આંકડા મુજબ ૮૨ કરોડ કૃષિ દેવુ રાજ્યના બજેટના ૪૫ ટકાની આસપાસ છે. કૃષિ દેવુ ૮૨,૦૭૫ કરોડની આસપાસ છે. ૩૫ લાખ એગ્રિકલ્ચર લોન એકાઉન્ટ ધારકો રહેલા છે. જો રાજ્ય સરકાર ખેડૂત લોન માફીના મુદ્દા ઉપર સહમત થાય તો તેના ઉપર ૨૦૧૮-૨૦૧૯ માટેના ૧.૮૩ લાખ કરોડ રૂપિયાના બજેટ પૈકી ૪૫ ટકાનો ખર્ચ રહેશે. કુલ પાક લોન (એક વર્ષીય પેમેન્ટ સાઈકલ) ગુજરાતમાં આઉટ સ્ટેન્ડીંગનો આંકડો ૪૫૬૦૭ કરોડની આસપાસનો છે. કૃષિ ટર્મ લોનનો આઉટ સ્ટેન્ડિંગ આંકડો ૩૬૪૬૮ કરોડ રૂપિયાનો છે. જો રાજ્ય સરકાર માત્ર પાક લોન દિશામાં આગળ વધે તો પણ તિજારી ઉપર અને રાજ્યમાં કરદાતાઓ ઉપર અભૂતપૂર્વ બોજ પડશે.
રાજ્યના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે, રાજ્યના નાણાકીય મામલાઓને ધ્યાનમાં લઈને તિજોરી ઉપર કોઈપણ વધારાનો બોજ નાખવાની બાબત હાલમાં બિલકુલ યોગ્ય નથી. આઉટ સ્ટેન્ડીંગ ફાર્મ લોનમાં જંગી રકમને ધ્યાનમાં લેતા ૧૦ ટકા માફી પણ જો કરવામાં આવે તો ૮૦૦૦ કરોડનો આંકડો પહોંચે છે. સરકારને રેવેન્યુમાં વધારો કરવા માટે જુદા જુદા પગલાં લેવાની જરૂર દેખાઈ રહી છે. આવી માફી માટે ફંડ ઉભા કરવા માટે ટેક્સમાં જંગી વધારો કરવો પડશે. સાથે સાથે અન્ય લોકો સામે પણ મુશ્કેલી આવી શકે છે.