વડોદરા : તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં પર્યાવરણલક્ષી કામગીરી કરતી કેટલીક સંસ્થાને આમંત્રિત કરી હતી. દરેક જિલ્લામાથી એક સંસ્થાને આમંત્રણ હતું. ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ અદાણી ફાઉન્ડેશન, દહેજની ટીમએ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલ, અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિની હાજરીમાં અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિનું સન્માન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન છેલ્લા 2-3 વર્ષથી દહેજ પોર્ટની અંદર અને સમગ્ર વિસ્તારમાં વન વિભાગ, ભરૂચ સાથે રહી વૃક્ષારોપણની ઝુંબેશ નિયમિત રીતે ચલાવે છે. એ કામગીરીના આધારે વન વિભાગ ભરૂચ દ્વારા અદાણી ફાઉન્ડેશનની પસંદગી કરવામાં આવી હતી. રાજ્યભરથી આવેલા પ્રતિનિધિઓએ વિધાનસભાની કાર્યવાહી જોઈએને મહાનુભાવો સાથે જળવાયુ પરિવર્તનની અસરને ખાળવાના પ્રયત્નો અંગે ચર્ચા કરી હતી.
અદાણી ફાઉન્ડેશન દહેજના આસિસ્ટન્ટ મેનેજર યોગેશ મેઘપરાએ અદાણી સમૂહના ચેરમેન ગૌતમભાઈ અદાણીના 100 મિલિયન વૃક્ષારોપણ અને અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા ભરુચ વિસ્તારમાં 30,000 ફળાઉ વૃક્ષોના વિતરણ અને એની સાથે સંકળાયેલા પર્યાવરણ અને આર્થિક પાસાના પ્રયોગની વિગતો આપી હતી. આ પ્રવૃત્તિ ન માત્ર પર્યાવરણને ટેકો આપે છે, પરંતુ, નેત્રંગ તાલુકાનાં આદિવાસી વિસ્તારમાં ૪૦થી વધુ ખેડૂતોએ પોતાના ખેતરમાં બાગાયત વિકસાવીને આદિવાસી વિસ્તારોના લોકોને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરી છે. અદાણી ફાઉન્ડેશન દહેજની પ્રવૃતિની પ્રસંશા કરીને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.