રૂ.૬૧.૧૨ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સુવિધાસભર અડાજણ બસ સ્ટેશનનું લોકાર્પણ થશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુરત:  ૨૦મીએ અડાજણના જુના બસ સ્ટેન્ડની જગ્યા પર જ પીપીપી ધોરણે નવનિર્મિત આધુનિક સુવિધા સાથે તૈયાર કરાયેલા નવા બસ સ્ટેશનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હસ્તે કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા શહેરના અડાજણ વિસ્તારમાં ૬૦ કરોડના ખર્ચે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ બસ સ્ટેશન સાકાર થઇ ચૂક્યું છે. જેમાં એરપોર્ટની માફક લગેજ ટ્રોલી, જીપીએસ, દિવ્યાંગો માટે વ્હીલચેર, આઈડલ બસ પાર્કિંગ જેવી સુવિધાથી સુસજ્જ આ બસ સ્ટેશનને અડાજણ બસ પોર્ટ નામ અપાયું છે. સુરતનું બસ સ્ટેશન ગુજરાતના અત્યાધુનિક બસ સ્ટેશનો પૈકીનું એક છે.

આ સ્ટેશનમાં હાર્ટ શેપ આકારમાં નિર્મિત સેલ્ફી પોઇન્ટ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઉપરાંત ડિજીટલ ડિસ્પ્લે સાથે બસોના આવાગમનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિયેબલ સાઈન બોર્ડ, સીસીટીવી કેમેરા, પબ્લિક એનાઉસમેન્ટ, રાઉન્ડ ધ કલોક સિકયુરિટી ઉપરાંત વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ અને ઓનલાઇન બુકીંગ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

કોમર્શિયલ હેતુ માટે બસ સ્ટેશનમાં રિટેલ સુપર માર્કેટ, વિવિધ શો-રૂમ તેમજ ભોજન અને નાસ્તા માટે ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ દ્વારા મુસાફરો ખરીદી અને ખાણી-પીણીનો લાભ લઇ શકશે.

ખાસ કરીને ભોંય તળિયે ક્લોક રૂમ, ટોઇલેટ-બાથરૂમ અને પહેલા માળ પર વી.આઇ.પી. કક્ષ, રેસ્ટ રૂમ, સ્ટોર રૂમ, પાર્સલ રૂમ અને ડ્રાઇવર કંડક્ટર રૂમ ઉપરના માળે પેસેન્જર ડોરમેટરીની પણ સુવિધા ઉભી કરાઈ છે.

એસ.ટી. નિગમના સુરત ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી આર.ડી.ગલચર આ મોડેલ સ્ટેશન વિષે જણાવે છે કે, વર્ષ ૨૦૧૧ માં અડાજણ સ્થિત નવા બસ પોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. બિલ્ટ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડેલ હેઠળ નિર્માણ પામેલા અડાજણના બસ સ્ટેશનના બે પ્લેટફોર્મ પરથી રાજયના વિવિધ શહેરોની ૨૩૨ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. અડાજણ બસ પોર્ટ પરના કુલ ૧૨ પ્લેટફોર્મ પરથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઓલપાડ, નર્મદા જિલ્લા અને સુરતના ઇન્ડસ્ટ્રીયલ એરિયા હજીરા સુધી બસો બસ મળી શકશે. ખાસ તો બસ સ્ટેશનમાં જ મુસાફરોને રહેવા માટે બજેટ પોસાય તેવા દરોમાં હોટેલની પણ સુવિધા ઉપલબ્ધ છે.

Share This Article