સગીરા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરનારને કોર્ટે ફટકારી 3 વર્ષની કેદ

Rudra
By Rudra 2 Min Read

કઠલાલ તાલુકાની સગીરા નાની બહેન સાથે સ્કૂલે જતી હતી ત્યારે ફાગવેલ તાબે રાયણના મુવાડાના પરિણીત યુવકે આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેનો કેસ ચાલી જતા કપડવંજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે આરોપીને 3 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ભોગ બનનારી સગીરાને વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. કઠલાલ તાલુકાના ફરિયાદનીની 16 વર્ષ 6 માસ 23 દિવસની સગીર દીકરી નાની બહેન સાથે તા. 8/12/2021ના રોજ પગપાળા સ્કૂલેથી ઘરે જતી હતી. ત્યારે ફાગવેલ તાબે રાયણના મુવાડાના પરિણીત યુવાન અશ્વિન રોહિતભાઈ રાઠોડ (ઉં.વ. 24)એ ત્યાં આવી આબરૂ લેવાના ઈરાદે તેણીને પકડી અઘટીત માંગણી કરી હતી. બુમો પાડીશ તો બદનામ કરી નાખીશ, જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કરી ગુનો કર્યાની ફરિયાદ કઠલાલ પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવી હતી.

બાદમાં આરોપીને ઝડપી પાડી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જે કેસ કપડવંજ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં પાંચથી વધુ દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા સાથે સરકારી વકિલની દલીલો ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના સ્પે. જજ કે.એસ. પટેલે આજે આરોપી અશ્વિન રોહિતભાઈ રાઠોડ (રહે. રાયણના મુવાડા, તાબે. ફાગવેલ, તા. કઠલાલ)ને તકસીરવાર ઠેરવી 3 વર્ષની કેદ તથા રૂા. 10 હજારનો દંડ ફટકારવા હુકમ કર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો આદેશ ફરમાવ્યો છે. આરોપી દંડની રકમ ભરે તો તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવાનું પણ જણાવ્યું છે.

Share This Article