અમદાવાદના ચાંગોદરમાં ગયા અઠવાડિયે પથ્થરોના ઘા મારીને બે વૃદ્ધાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જે બાદ પોલીસ ગુનો નોંધી ૪ ટીમો અને ૧૫૦થી વધુ સીસીટીવી કેમેરા ચકાસીને ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો જેમાં બે વૃદ્ધા (દેરાણી-જેઠાણી) ને માત્ર ૧૫ મિનિટના ગાળામાં મોતને ઘાટ ઉતારનારા આરોપીને મધ્ય પ્રદેશના સતના જિલ્લાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ સમર ગતના બાબતે મળતી માહિતી મુજબ, અમદાવાદના સાણંદ તાલુકાના ચાંચરાવાડી વાસણા ગામના પાટિયા વિસ્તાર નજીક એક ગોચરમાં ગત ૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ જતનબહેન સોલંકી અને સોનબહેન સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને વૃદ્ધ મહિલાઓ નજીકના માટોડા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ચાંગોદર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ ૧૫ મિનિટના ગાળામાં દેરાણી-જેઠાણી એમ બે વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી હતી.
ડબલ મર્ડર કેસના સંબંધમાં એલસીબી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્), ચાંગોદર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ફોરેન્સિકની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એલસીબી ની ટીમે મધ્યપ્રદેશના સતના જિલ્લાના પ્રતાપપુર ગામના વતની ભોલે કોલ (ઉં.વ.૪૭) ને શંકાસ્પદ તરીકે ઓળખી કાઢ્યો હતો. ભોલે પરણિત છે અને ચાંચરાવાડી વાસણામાં ભાડે રહેતો હતો અને આરોપી ચાંદોગરની એક કંપનીમાં છેલ્લા ત્રણ મહિનાથી કામ કરતો હતો. જ્યારે ઘટના પછી આરોપી તરત પોતાના વતન ભાગી ગયો હતો. જેને લઈને એલસીબી ની ટીમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી, જ્યાં ભોલેની પૂછપરછ કરતાં તેણે બંને મહિલાઓને પથ્થરથી મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પીડિતાઓ સાથે વ્યક્તિગત રીતે પરિચિત હતો. ઘટનાના દિવસે તેણે કથિત રીતે મહિલા પાસે જાતીય સંબંધની માગ કરતાં વૃદ્ધાએ ઠપકો આપતા આરોપીએ ગુસ્સામાં પથ્થર મારી હત્યા નીપજાવી હતી. આ દરમિયાન અન્ય મહિલાએ મદદ મેળવવા ગામ તરફ ભાગવાનો પ્રયાસ કરતા આરોપીએ તેનો પીછો કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.