વિધાર્થીની મિત્રોની પરીક્ષા પૂરી થઇ, માંડ હાશ કરો થયો ત્યાં નવા સમાચાર મળ્યા કે પરિણામની તારીખ નજીકમાં જ છે, બસ ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે અને તમારી ઇન્તેજારી નો અંત આવશે.. ખરેખર તો એવું બને છે કે વાસ્તવિક પરિણામ – ધારણાની જેટલી નજીકનું હશે ઉત્સાહ તમારો તેટલો વધુ રહેશે પણ ક્યારેક એવું પણ બને કે તમારી ધારણાના પરિણામ કરતા – વાસ્તવિક પરિણામ વિરુદ્ધ આવ્યું તો? તો આ મુસીબતમાં આપણે શું કરીશું? હારીને બેસી જઈશું!!, રડી લઈશું,? નશીબનો વાંક કાઢી લઈશું? કે પછી બીજું કંઇ?!!
એ સ્વીકારવું પડશે કે મુસીબત એ જિંદગીનો એક ભાગ છે, જિંદગીના દરેક પડાવમાં આપણને થોડા કે વધુ અંશે મુસીબત તો આવવાની જ, કપરા સમયમાં સાચા ખોટાની પરખ નથી થઇ શકતી. કેટલાંક ને સમય પારખવાની કાબેલિયત હોય છે, કોઈ પોતાનું તમામ ધ્યાન મુસીબત પર કેન્દ્રિત કરી દે છે અને હાર માની લે છે અને કોઈ પોતાનું ધ્યાન પરીસ્થીતીમાંથી નીકળવા માટેના રસ્તા શોધવામાં લગાડી દે છે. નક્કી આપણે કરવાનું છે કે પરીસ્થિતિથી રસ્તો કાઢવો છે કે પરિસ્થિતિથી ડરી જવું છે!!
નિષ્ફળ લોકોને માત્ર પ્રોબ્લેમ્સ જ દેખાય છે માટે સોલ્યુશન તેમને દેખાતું નથી જયારે સફળ લોકોની પાસે પણ પ્રોબ્લેમ્સ તો હોય જ છે પણ તેઓ તેની પાછળના સોલ્યુશનને શોધી કાઢે છે માટે તેઓના માર્ગે સફળતાના અજવાળા પથરાયેલા રહે છે. અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, ધીરુભાઈ અંબાણી ,અને અ.પી. જે અબ્દુલ કલામ આવા ઘણા બધા મહાનુભવોને આપને જાણીએ છીએ જેમના જીવનમાં ઘણીબધી કઠણાઈ આવવા છતાં તેઓએ પોતાના મક્કમ ઈરાદાની સાથે આગળ વધ્યા અને સફળતાના શિખરો સર કર્યા. પરિણામ સારું આવે કે ઠીક આવે એતો તમે કરેલા વર્ષ દરમ્યાનના તમારા અભ્યાસનું આંકલન છે પણ પરિણામનાં અંકોને સહારે હતાશા વહોરી લેવી, નાસી પાસ થઇ જવું અથવા તો આગળ વધવાના તમામ રસ્તા બંધ થઇ ગયા એમ સમજી લેવું એ તદ્દન નકારાત્મક બાબત છે.. આવેલા પરિણામ ને સહારે હવે ઉપર કેવી રીતે ઉઠવું એમાં જ સમજદારી છે…
માટે આવનાર પરિણામને વધાવી લો અને તેની સાથે આગળ વધો એવી શુભકામના…
છેલ્લે…. ગરમાગરમ ચા કપમાં ઠરી ગયા પછી જે ઉપર ની બાજુ મલાઈ જામી જાય છે તેને સફળ લોકો ફૂંક મારી મારીને એક તરફ કરી ચા ની લિજ્જત માણી શકે છે બસ મુસીબત પણ પેલા કપ માં જામેલી મલાઈ જેવી જ છે….
નિરવ શાહ