૨૦૦ આદિવાસીઓને છૂટા કરાતાં તીવ્ર નારાજગીનું મોજુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણના બીજા જ દિવસે આજે કોન્ટ્રાક્ટરે ૨૦૦ જેટલા આદિવાસી કામદારોને છુટ્ટા કરતા જારદાર હોબાળો મચી ગયો હતો. એટલું જ નહી, આદિવાસીઓમાં પહેલેથી પ્રવર્તતો રોષ ઉલટાનો વધુ ભભૂકી ઉઠયો હતો. જોકે મામલો વધુ વણસે અને પરિસ્થિતિ વિકટ બને તે પહેલાં સ્થાનિક પોલીસના અધિકારીઓએ આદિવાસી આગેવાનો સાથે ભારે સમજાવટથી કામ લીધું હતું અને મામલો થાળે પાડયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, કેવડિયા ખાતે ગઇકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ કોન્ટ્રાક્ટરોએ આજે સ્થાનિક કામદારોને કામમાં આવવા માટે પ્રતિબંધ મુક્યો હતો.

જેથી ૨૦૦ જેટલા સ્થાનિક આદિવાસીઓને કામમાંથી છુટ્ટા કરીને બહારના લોકોની ભરતી કરી હતી. જેથી સ્થાનિક આદિવાસી કામદારો હોબાળો મચાવ્યો હતો અને તમામ ભરતીમાં સ્થાનિકોને પહેલી પસંદગી મળે તેવી માંગ કરી હતી. એક સમયે પરિસ્થિતિ વણસતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આદિવાસીઓના ઉગ્ર વિરોધ અને હોબાળો જોતાં ભારે સમજાવટથી કામ લીધુ હતું અને શાંતિપૂર્વક મામલો થાળે પડ્‌યો હતો.

ઉલ્લેખનીય છે કે, કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે  બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણના બીજા જ દિવસે કોન્ટ્રાક્ટરે ૨૦૦ જેટલા આદિવાસી કામદારોને છુટ્ટા કરતા સ્થાનિક આદિવાસીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. કેટલાક સ્થાનિક આદિવાસી આગેવાનોએ તો આક્રોશ ઠાલવ્યો હતો કે, અમે તો પહેલેથી જ કહેતા હતા કે, આદિવાસીઓનું હિત છીનવાઇ ગયું છે અને સરકારનું આ એક માત્ર નાટક હતું.

Share This Article