આદિવાસી વિફર્યા: કેન્દ્રિય મંત્રીની ગાડી અટકાવી દીધી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૩૧ ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોની ખાતે સરદારની વિશ્વથી સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે. જેને લઇને હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે. તો બીજી તરફ બીજી તરફ સ્થાનિક આદિવાસી સંગઠનો સહિતના કેટલાંક સંગઠનો દ્વારા તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. જેના ભાગરૂપે તા.૩૧મીના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓઠા હેઠળ આદિવાસીઓની જમીન છીનવી લેવા સહિતના સરકારના કારસાને લઇ આજે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને આદિવાસી સમાજના લોકો આજે રીતસરના વિફર્યા હતા.

રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એકતા યાત્રા આજે ડેડિયાપાડા વિસ્તારમાં પહોંચતા તેનો જારદાર વિરોધ કર્યો હતો અને ગગનભેદી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. એક તબક્કે આ વિરોધ પ્રદર્શન વચ્ચે આદિવાસી આગેવાનો દ્વારા ભાજપના સાંસદ મનસુખ વસાવાની ગાડી પણ અટકાવવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં, આદિવાસીઓએ રાજપીપળાથી પ્રતાપનગર સુધીના વિસ્તારમાં એકતા યાત્રાના પોસ્ટર્સ ફાડી નાંખીને રોષ ઠાલવ્યો હતો. જેને લઇ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું હતું. દરમ્યાન આદિવાસી સંગઠનોએ રોષ ઠાલવતાં જણાવ્યું કે, નર્મદા જિલ્લાના તમામ વેપારીઓ અને ગામડામાંથી આવતા આદિવાસી છૂટક વેપારીઓને વિનંતી છે કે ૩૧ ઓક્ટોબર બુધવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આથી આ બંધના એલાનમાં સહયોગ આપશો. ગામડામાંથી આવતા છૂટક વેપારીઓ તા.૩૧ તારીખે તમામ બજારો બંધ રાખશે. આથી આગલા દિવસે તમારા ખેતરોમાંથી શાકભાજી તોડશો નહીં. આ સાથે રાજયભરના આદિવાસી સમાજના લોકોને તા.૩૧મીના બંધમાં જોડાવા અને બંધને સફળ બનાવવા અનુરોધ કરાયો હતો.

Share This Article