વિધાનસભા ગૃહ ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેતીના પૂરક વ્યવસાય તરીકે સુપ્રસિદ્ધ પશુપાલન વ્યવસાયને મુખ્ય વ્યવસાય બનાવીને રાજ્યમાં દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તબક્કાવાર મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના માટે પશુ સંવર્ધન અને પશુ આરોગ્ય સુવિધાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી રહ્યો છે.
પશુપાલન મંત્રીએ સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે, રાજ્યમાં પશુ આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨૫૫ નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવી છે. સાથે જ, ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં પણ નવા ૨૦૦ સ્થાયી પશુ દવાખાના સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે.
છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના અબડાસા, નખત્રાણા, ભચાઉ, સમખિયારી, ભુજ, માંડવી, મુન્દ્રા અને લખપત તાલુકામાં મળી કચ્છમાં કુલ ૧૨ નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.
છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારે ૩૭૩ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરીને કુલ ૨.૨૪ લાખ પશુઓને યોગ્ય સારવાર આપી છે. હાલ કચ્છ જિલ્લામાં એક વેટરનરી પોલીટેકનીક, ૪૭ પશુ દવાખાના, ૨૯ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર અને ૩૨ મોબાઈલ પશુ દવાખાના મળીને કુલ ૧૦૯ એકમો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના કોઈપણ પશુપાલકને પોતાના પશુની સારવાર, રસીકરણ અને ખસીકરણ કરાવવા સહિતની તમામ સુવિધાઓ પોતાના ગામમાં અથવા ગામની નજીકમાં જ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્થાયી અને ફરતા પશુ દવાખાનાનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે.