દિવ્યાંગ બાળકો માટેનો ‘આકાંક્ષા-ચલો કરે કુછ ખાસ’ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સમાજમાં દિવ્યાંગ બાળકો-વિદ્યાર્થીઓમાં રહેલો આત્મવિશ્વાસ-ઉત્સાહ જ તેમના જીવનમાં સફળતા માટેનું સૌથી મોટું પ્રેરક બળ છે, આપણે સૌએ તેનું સન્માન કરવું જોઇએ તેમ આજે ગાંધીનગર ખાતે દિવ્યાંગ બાળકો માટેના ‘આકાંક્ષા-ચલો કરે કુછ ખાસ’ થીમ અંતર્ગત યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું.

N.I.O.S. અને C.S.R. હેઠળ જે.કે.લક્ષ્મી સિમેન્ટના સંયુકત ઉપક્રમે ઇન્ફોસિટી ગાંધીનગર ખાતે યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના ‘આકાંક્ષા’ કાર્યક્રમમાં અલ્હાબાદ, બેંગલુરૂ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નઇ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટ્ટી, હૈદરાબાદ, જયપુર, કોચી, પટણા, કોલકત્તા, પૂના, રાયપુર, રાંચી, વિશાખાપટ્ટનમ અને દહેરાદૂન ખાતે આવેલા વિવિધ રાજ્યોના પ્રાદેશિક N.I.O.S. સેન્ટરના કુલ ૨૧ દિવ્યાંગ બાળકોએ ‘ચલો કરે કુછ ખાસ’ ની થીમ પર અલગ અલગ આબેહૂબ અને હ્રદયસ્પર્શી કૃતિઓ રજૂ કરી હતી. આ બદલ રાજ્યપાલશ્રીના હસ્તે તમામ બાળકોને સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

સમાજમાં દરેક દિવ્યાંગ બાળકો નિયમિત શાળાએ જઇ શકતા નથી, તેવા બાળકોની કારકિર્દી માટે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન (N.I.O.S.) સાચા અર્થમાં આશીર્વાદ સમાન છે. આવા દિવ્યાંગ બાળકો N.I.O.S.ના માધ્યમથી પોતાની આકાંક્ષા-સપનાને પાંખો આપી ઉડાન ભરી શકે છે. N.I.O.S.ના માધ્યમથી સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૮ લાખ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે જે એક અદભૂત સિદ્ધિ છે. કૃત્રિમ પગ વડે એવરેસ્ટ સર કરનાર દિકરી ડૉ. અરુણિમાસિંહા અને પ્રજ્ઞાચક્ષુ મહાન કવિ સંત સૂરદાસનું ઉદાહરણ આપી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, દિવ્યાંગ બાળકોમાં કોઇ એક ખામીની સામે અન્ય ક્ષમતા વિશેષ હોય છે જેના બળ પર તે સિદ્ધિ  પ્રાપ્ત કરે છે, તેમની આંતરિક શક્તિ જ તેમને સફળતા અપાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગ નામ આપીને તેમને વિશેષ સન્માન આપ્યું છે, તેમ કહી કોહલીએ જણાવ્યું હતું કે, સમાજમાં રહેતા દિવ્યાંગોને સામાન્ય લોકો સાથે જોડવા જોઇએ. દિવ્યાંગ બાળકોમાં રહેલી  ક્ષમતાને બહાર લાવવામાં N.I.O.S. અને જે.કે.લક્ષ્મી સિમેન્ટના પ્રયાસોને હું દિલથી આવકારૂં છું. દિવ્યાંગ બાળકો-વ્યક્તિઓ પ્રત્યે હકારાત્મક બનવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ તેવો અનુરોધ પણ રાજ્યપાલ શ્રી કોહલીએ સૌને કર્યો હતો.

N.I.O.S. ના અધ્યક્ષ ડૉ. ચંદ્રભૂષણ શર્માએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, માનવ સંશાધન વિકાસ મંત્રાલય અંતર્ગત આવેલી N.I.O.S. કોઇપણ શાળામાં કારણસર જઇ ન શક્યા હોય તેવા દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. દેશના વિવિધ સેન્ટરોના ૨૧ જેટલા અલગ અલગ કેટેગરીના દિવ્યાંગો દ્વારા માત્ર ૩૬ કલાકના ઓછા સમયમાં આ  સમગ્ર કાર્યક્રમ રજૂ કરાયો છે જે એક સિદ્ધિ છે.

Share This Article