શાહ કરીમ અલ હુસૈની આગા ખાન હાલમાં ભારત પ્રવાસે છે, ત્યારે તેઓના ગુજરાત પ્રવાસ સંદર્ભે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક આયોજીત કરવામાં આવી હતી.
આ બેઠકમાં આગાખાન ટ્રસ્ટની આરોગ્ય, શિક્ષણ, રૂરલ એજ્યુકેશન એડવાન્સ પ્રોગ્રામ સહિતના સેવા ક્ષેત્રોમાં ટ્ર્ટની પ્રવૃત્તિઓના વ્યાપને વધુ વિસ્તારી ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં સહભાગીતાની તત્પરતા વ્યક્ત કરવામાં આવી હતી.
શાહ કરીમ અલ હુસૈની આગા ખાને પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે આ મુલાકાતથી પારસ્પરિક સંબંધો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓને નવું બળ મળશે. શિક્ષણ, કુપોષણમુક્તિ અને રૂરલ એજ્યુકેશન એડવાન્સમેન્ટ પ્રોગ્રામ પારસ્પરિક સહયોગથી સાતત્યપૂર્ણ અને લાંબાગાળાના ફળદાયી પરિણામો તેમ પણ જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં આગાખાન એજ્યુકેશન સર્વિસ દ્વારા ૧૧૩ વર્ષ પહેલા મુંદ્રા કચ્છમાં ‘આગાખાન સ્કૂલ’ શરૂ કરવામાં આવી ત્યારથી આજ સુધી શિક્ષણ ક્ષેત્રે મળી રહેલા સક્રિય સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાતના ૮૦૦૦ વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અન્વયે સ્માર્ટ ટેકનોલોજીથી અપાઇ રહેલા શિક્ષણ વિશે પણ માહિતી આપી હતી.
મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતના સિદ્ધપૂરમાં ગ્રામીણ દર્દીઓની સારવાર સુશ્રુષા માટેની કેન્સર હોસ્પિટલમાં આગાખાન ટ્રસ્ટના આરોગ્ય સેવા સહયોગ માટે ચર્ચા કરી હતી. આ સંદર્ભે શાહ કરીમ અલ હુસૈની આગા ખાને મુંબઇમાં ફાઉન્ડેશનની આ પ્રકારની કેન્સર હોસ્પિટલ કાર્યરત છે તેમ જણાવી સિદ્ધપૂરમાં પણ ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે મળીને કેન્સરના રોગના નિદાન-સારવાર-રિસર્ચ માટેની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત શાહ કરીમ અલ હુસૈની આગા ખાને હાઇનેસ આગાખાને ગુજરાતની પ્રગતિ-વિકાસ વિષયક બાબતોમાં ઊંડો રસ લઇ વિગતો મેળવી હતી.
વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ખોજા કોમ્યુનિટી પ્રજાકીય જનજીવનમાં બંધુતા-ભાઇચારાથી વણાઇ ગઇ છે તેની વિશેષતાઓથી પણ શાહ કરીમ અલ હુસૈની આગા ખાનને અવગત કર્યા હતા. શાહ કરીમ અલ હુસૈની આગા ખાન લોકકલ્યાણ અને સમાજસેવા-ઉત્થાન માટે સતત કાર્યરત રહ્યા છે અને કોમ્યુનિટીની વિશ્વખ્યાતિ અપાવી છે તેની પણ તેમણે સરાહના કરી હતી.