સુરતમાં પાંડેસરા વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી ચોથા માળે રમતી હતી જે દરમ્યાન રમતા રમતા બારીમાંથી નીચે પટકાતા બાળકીનું મોત નીપજયું છે. આ ઘટનાને લઈ પરિવારની એક માત્ર દીકરીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છે. બાળકીને લઈને પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યું પરંતુ તે પહેલાં જ બાળકી મોતને ભેટી હોવાનું ફરજ પરના ડોક્ટરે જણાવ્યુ. સુરતના પાંડેસરા ખાતે આનંદો હોમ્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો એક પરિવાર જેના સભ્યો સૌમિલ દેવા પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે રહે છે.
સૌમિલ સુરતમાં જ મજૂરી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. મહત્વનુ છે કે પુત્રી ત્રીશા પોતાના ઘરમાં રમી રહી હતી. આ દરમ્યાન તેની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી અને બાળકીના પિતા કામ પર ગયા હતા.સુરતમાં બનેલી આ ઘટના સૌ કોઈ વાલીઓ માટે આંખ ઉઘાડવા બરાબર છે. આ ઘટનામાં માસુમ બાળકી રમતા રમતા બારી પાસે પહોંચી ગઈ અને બારીમાંથી નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાવાની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બાળકી નીચે પડ્યાની વાત તેની માતાને ખબર પડતા તે પણ નીચે દોડી આવી હતી અને દીકરીને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
બાળકીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા ફરજ હાજર ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી.માસુમ પુત્રીના મોતને પગલે માતા પિતા સહીત પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. બાળકીના નીચે પટકાવાથી ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારે જણાવ્યુ કે ત્રિશા બારી પાસે મૂકવામાં આવેલા બેડ પર રમી રહી હતી. રમતા રમતા બાળકી બારી પાસે પહોંચી ગઈ અને બારીમાંથી નીચે પટકાઈ. વારંવાર બનતી આવી મોતની ઘટનાનો આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન બની ગયો છે.