વડોદરા અને અમદાવાદની સાથે નાતો ધરાવતી ગુજરાતી યુવતીઓએ અમેરીકાના મેનહટનમાં ન્યૂયોર્ક ફેશનમાં ઝળકી ઉઠી હતી. નિધિ શાહના નેતૃત્વ હેઠળ ફેશન ડિઝાઇનર્સના એક જૂથે ન્યૂયોર્ક ફેશન વીકમાં બિગ ફોર ઇવેન્ટમાં ભાગ લીધો હતો. અમેરિકાના મેનહટન સ્થિત પ્રતિષ્ઠિત સોની હોલમાં રનવે ૭ દ્વારા ન્યૂયોર્ક ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્ક ફેશન વીક (NYFW) દર વર્ષે ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર મહિનામાં યોજાય છે.
સામાન્ય રીતે સાતથી નવ દિવસ સુધી ચાલતા ફેશન વીકમાં ઇન્ટરનેશનલ ફેશન કલેક્શનનું સામાન્ય જનતા, પ્રેસ અને બાયર્સ સમક્ષ પ્રદર્શન કરવામાં આવે છે. NYFW પેરિસ, લંડન અને મિલાનની સાથે વિશ્વના ચાર મુખ્ય પૈકીની એક ફેશન વીક ઇવેન્ટ છે, જેને બિગ ફોર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે રનવે ૭ દ્વારા ન્યુયોર્ક ફેશન વીકનું આયોજન ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન મેનહટનના પ્રતિષ્ઠિત સોની હોલમાં કરવામાં આવ્યું હતું.
NYFWમાં વિશ્વભરના ૧૦૦થી વધુ ફેશન ડિઝાઇનરોએ વિશ્વ વિખ્યાત ફોટોગ્રાફર્સ સાથે ભાગ લીધો હતો. આ ફેશન વીકમાં ગુજરાતી મહિલાઓના અર્ની ફેશન જૂથનું કલેક્શન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. અમદાવાદ અને વડોદરા સાથે નાતો ધરાવતી નિધિ શાહની આગેવાની હેઠળના જૂથમાં મોટા ભાગે ગુજરાતી મહિલાઓ છે. જેના મૂળ વડોદરાની દીક્ષીતા પટેલ પણ જોડાઇ હતી. અર્ની ફેશને પરંપરાગત ભારતીય લગ્નના પોશાક અને ઘરેણાનું અનોખું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતીઓ રાજકીય, ફેશન, સંગીત, કલા અને વેપાર સહિતના ક્ષેત્રે વિશ્વમાં કેન્દ્ર સ્થાને છે.