ગિલ્ટી માઇન્ડ્સમાં પરિચિત ફોર્મ્યુલા છે, પરંતુ કોર્ટ અને જજની અંદરની ગતિવિધિઓને વધુ વાસ્તવિક બતાવવાનો પ્રયાસ થયો છે.
ગિલ્ટી માઇન્ડ્સમાં કુલ ૧૦ એપિસોડ છે. લગભગ દરેક એપિસોડ ૫૦ મિનિટનો છે. તેને એક સાથે જાેવાની ભૂલ ન કરતા. દરેક એપિસોડમાં નવો કેસ લેવામાં આવ્યો છે અને કેસ નવી નવી વેરાયટીના છે. જેથી તમે એપિસોડ એક પછી એક તમારી અનુકૂળતા મુજબ જાેઈ શકો છે.
વાસ્તવિક જીવનમાં ફોજદારી કેસો, સિવિલ કેસ, કોર્પોરેટ કાયદાના કેસ અને લવાદના વકીલો જુદા જુદા હોય છે, પરંતુ આ સિરીઝમાં વકીલોની ભૂમિકા ભજવતી શ્રિયા પિલગાંવકર અને સુગંધા ગર્ગ તમામ પ્રકારના કેસો લડતી જાેવા મળે છે.
આ વચ્ચે સારી વાત એ છે કે બધા કેસ ખૂબ જ અલગ પ્રકારના અને કેટલાક કિસ્સામાં વિરોધીના વકીલો પણ નવા હોવાથી કેસ અલગ દેખાય છે. અભિનયની દ્રષ્ટિએ બે જૂના દિગ્ગજાે સતીશ કૌશિક અને કુલભૂષણ ખરબંદાને જાેવા સારા લાગે છે,
આ સાથે જે રીતે તેમના અનુભવની અસર સમગ્ર દ્રશ્ય પર ભારે પડે છે તે ખૂબ અદ્ભુત ઉદાહરણ છે. શ્રિયા પિલગાંવકર એક એપિસોડમાં ખૂબ જ સારી રીતે કામ કરે છે અને બીજામાં ફિકો અભિનય છે. તેની સહકર્મી સુગંધા ગર્ગનું પાત્ર લેસ્બિયન બનાવ્યા વિના પણ ચાલે તેમ હતું, પરંતુ અલગ પાત્ર બનાવવાની રેસમાં આવું કર્યું હોવાનું ફલિત થાય છે.
સુગંધા સારી અભિનેત્રી છે, પરંતુ આખો એપિસોડ ખેંચવો શક્ય નથી. કેટલાક કેસમાં શ્રિયાના એક્સ બોયફ્રેન્ડ અને તેના પ્રતિસ્પર્ધી વરુણ મિત્રાનો અભિનય ખૂબ જ પ્રભાવિત કરે છે. આ તેની કારકિર્દીનો સૌથી મોટો રોલ છે.
આ પહેલા તે રિયા ચક્રવર્તી સાથે જલેબી નામની ફિલ્મમાં જાેવા મળ્યો હતો. હવે ભવિષ્યમાં તેને કંઈક અલગ કરવું પડશે, ત્યારે જ તે લોકોના ધ્યાનમાં આવશે. આ સિરીઝ દરમિયાન ગિરીશ કુલકર્ણી, સાનંદ વર્મા અને અતુલ કુમાર જેવા કલાકારો પણ જાેવા મળે છે અને દરેક એપિસોડનો પ્રવાહ બદલી નાંખે છે, જાેકે તેઓ દરેક એપિસોડના મહેમાન કલાકાર છે. આ સિરીઝ લખવામાં ખૂબ કાળજી લેવામાં આવી છે.
માનવ ભૂષણ, શેફાલી ભૂષણ, દીક્ષા ગુજરાલ અને જયંત દિગંબર સોમલકરે કોર્ટ ફિલ્મી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. ‘રૂક જાઈએ જજ સાહેબ’, ‘તારીખ પે તારીખ કે’ જેવા ફિલ્મી સંવાદો સાંભળવા મળતા નથી. બીજી તરફ ન્યાયાધીશ પણ તાઝીરત-એ-હિન્દની કલમ બોલતા નથી, ન તો તેઓ ઓર્ડર ઓર્ડરની બૂમો પાડતા રહે છે. કોર્ટના સેટના આકાર – પ્રકાર પર નિયંત્રણ રાખવા બદલ દિગ્દર્શક શેફાલી ભૂષણ અને તેના સહ-દિગ્દર્શક જયંત સોમલકર પ્રશંસાને પાત્ર છે.
દરેક કેસ અલગ કોર્ટમાં છે, દરેક વખતે વકીલો અને ન્યાયાધીશો અલગ અલગ છે અને જજની ભાષા અને બોલવાની રીત પણ અલગ છે. ઘણી વખત જજની બોલવાની સ્ટાઇલ વાસ્તવિક કોર્ટની યાદ અપાવે છે. ન્યાયાધીશો આખો દિવસ વાહિયાત કેસો સાંભળી કંટાળી જાય છે અને પછી કોઈને ઠપકો પણ મળે છે.
વકીલની અધૂરી તૈયારી માટે વકીલને ઠપકો આપવામાં આવે છે, સાક્ષીઓના મૂર્ખામીભર્યા નિવેદનો પર સાક્ષી અને ક્યારેક હાજર જનતાને પણ ઠપકો આપવામાં આવે છે. ઓસ્કાર માટે નોમિનેટેડ મરાઠી ફિલ્મ કોર્ટમાં જે રીતે કોર્ટ બતાવવામાં આવી છે, તેનાથી પ્રેરણા મળી હોય તેમ લાગે છે.
આ વેબ સિરીઝ જાેવા લાયક છે. જાે કે, ઓટીટી ચાહકોએ ઇંગ્લિશ વેબ સિરીઝ સૂટ્સ, હાઉ ટુ ગેટ અવે વિથ મર્ડર, બોસ્ટન લીગલ જેવી ઘણી વેબ સિરીઝમાં કાયદાકીય દાવપેચ જાેયા હોય તો ગિલ્ટી માઇન્ડ્સ તેમને ધીમી અને ઓછી ગ્લેમરસ લાગશે.
આપણે લો ફર્મ કે વકીલના જીવન પર ખૂબ જ ફિલ્મી ઢબે બનાવવામાં આવેલી ક્રિમિનલ જસ્ટિસ કે યોર ઓનર જેવી વેબ સિરીઝ જાેઈ છે. આ ઉપરાંત જાેલી એલએલબી’, બદલા કે નો વન કિલ્ડ જેસિકા જેવી ફિલ્મોના દાખલા છે. અલબત્ત ગિલ્ટી માઇન્ડ્સ સારી વેબસિરીઝ બનાવવા તરફ પ્રથમ ડગલું છે. ભવિષ્યમાં વધુ સારી સિરીઝ મળી શકે છે. કદાચ ગિલ્ટી માઇન્ડ્સની જ આગામી સિઝન વધુ સારી હોય શકે છે.