અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી બાબતોમાં છરી, તલાવર વડે હુમલાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા દસ દિવસમાં પૂર્વ વિસ્તારમાં ચાર હત્યાની ઘટના ઘટી છે. હાટકેશ્વર વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક યુવકની તેના મિત્રએ ઘાતકી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. રૂપિયાની લેતીદેતી મામલે યુવકને છરીના ધા ઝીંકીને મિત્રએ મોતને ઘાટ ઉતાર્યો હતો. મરનાર યુવક મિત્ર પાસેથી ૨૫ હજાર રૂપિયા માગતો હતો, જે નહીં આપી શકતા તેણે પોતાના મિત્રને જ આવેશમાં આવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ભગવતીનગર સોસાયટીમાં રહેતા મનોજભાઇ રાજુભાઇ ધવાણે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હર્ષદસિંહ દિનેશસિંહ ચાવડા (રહે. પાર્થ એપાર્ટમેન્ટ, હાટકેશ્વર) વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં કરી છે.
ફરિયાદના આક્ષેપો પ્રમાણે, મનોજનો નાનોભાઇ કેવલ ઉર્ફે જાડિયો તેના મિત્ર હર્ષદસિંહ પાસેથી છેલ્લા ઘણા સમયથી રૂપિયા માગતો હતો. હર્ષદસિંહને કોઇ જરૂરી કામ હોવાથી કેવલે તેને ૨૫ હજાર રૂપિયા આપ્યા હતા. કેવલને રૂપિયાની જરૂર હોવાથી તેને હર્ષદસિંહ પાસે રૂપિયાની માગણી કરી હતી. હર્ષદસિંહે રૂપિયા આપવા માટે વાયદા આપતો હતો. અવારનવાર કેવલ હર્ષદસિંહ પાસેથી રૂપિયા માગતો હતો. હર્ષદે રૂપિયા નહી આપતાં કેવલે તેના માતા પિતા અને ભાઇને પણ આ મામલે વાત કરી હતી. ગઇકાલે હર્ષદે કેવલને ઘરે બોલાવ્યો હતો અને તેને રામનગર જાહેર રોડ પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતા તે તાત્કાલીક દોડી આવી હતી અને કેવલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને હર્ષદ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. મરનાર કેવલના પિતા રાજુભાઇએ જણાવ્યુ હતું કે, હર્ષદ દારૂનો ધંધો કરે છે અને કેવલ તેના માટે દારૂની ખેપ મારતો હતો. હર્ષદની દારૂની પેટી પોલીસે જપ્ત કરી હોવાથી કેવેલે તેને રૂપિયા આપ્યા હતા. ગઇકાલે મોડી રાત્રે હર્ષદે કેવલને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો અને ત્યારબાદ તેના પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી હતી. હર્ષદ સિવાય અન્ય ચાર યુવકો પણ કેવલની હત્યામાં સંડોવાયેલા છે. આમ, હવે સમગ્ર મામલે અમરાઇવાડી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.